કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બંને મુખ્ય પક્ષો સામે ટકરાવવા ત્રીજો મોરચો સક્રિય

2,675

ભુજ : ગુજરાતમાં ટુંક સમયમાં સ્થાનિક સ્વરાજ એટલે કે તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવવાની છે. કચ્છની જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની ચૂંટણી આ સાથે થવાની છે. કચ્છમાં દર વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ ખેલાતો હોય છે, પણ આ વખતે કચ્છનું રાજકીય ચિત્ર કાંઇક અલગ જ દેખાઇ રહ્યુ છે.

હાલમાં જ યોજાયેલ અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ઘણા સમય પછી એક સક્ષમ અપક્ષે ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર હનીફબાવા પડેયારને 26000 થી પણ વધુ જેટલા રેકર્ડ બ્રેક મતો મળ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમ્યાન હનીફબાવાએ ખુદ જાહેરાત કરી હતી કે અમે તાલુકા-જિલ્લાની ચૂંટણીમાં પણ સક્ષમ ઉમેદવારોને અપક્ષમાં ઉભા રાખશું. ત્યારથી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિજા મોરચાની અટકળો વહેતી થઇ હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગતિવિધિઓ તેજ થઇ છે. 3-4 દિવસ અગાઉ વડગામના ધારાસભ્ય દ્વારા સ્થાપવામાં આવેલ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કચ્છ યુનિટની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સંગઠન મજબુત કરવા નવા જિલ્લા પ્રમુખ તેમજ પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂંક કરાઇ હતી. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સક્ષમ અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાની પણ જાહેરાત કરાઇ હતી.

થોડા દિવસો અગાઉ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરા સહિત અનેક લઘુમતિ અને દલિત સમાજના અગ્રણીઓએ પક્ષથી નારજ થઇ રાજીનામું ધરી દીધું હતુ. કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદે તત્કાલ અજીતસિંહ જાડેજાને અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરિકે નિમણૂંક આપી દેતા આ રાજકીય વિવાદ વકર્યો હતો. અબડાસા વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનાર હનીફબાવા દ્વારા જણાવાયું હતું કે કોંગ્રેસ ફક્ત મુસ્લિમ અગ્રણીઓને ટાર્ગેટ કરી રાજીનામ લઇ રહી છે, તેમજ અગ્રણીઓને ખોટી રીતે સસ્પેન્ડ કરી રહી છે. આ મુદે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને મુહતોડ જવાબ આપવાનું પણ જણાવ્યું હતું. તો ગઇ કાલે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની આગેવાનીમાં વિધાનસભા પેટા ચૂંટણીમાં હનીફબાવા પડેયાર તથા કોંગ્રેસ અગ્રણી ઇકબાલ મંધરા તથા અન્ય કોંગ્રેસી આગેવાનો વચ્ચે થયેલ મન દૂખનુ સમાધાન કરાવવામાં આવ્યુ હતુ. જેથી નારાજ કોંગ્રેસી અગ્રણીઓ પણ આ ત્રિજા મોરચા સાથે જોડાય તેવી અટકળો છે.

આ મુદે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, હનીફબાવા પડેયાર અને અન્ય ઓ.બી.સી. સમાજના આગેવાનો સાથે દલિત, મુસ્લિમ અને ઓ.બી.સી. સમાજનું સંકલન કરી સમગ્ર કચ્છમાં ભાજપ-કોંગ્રેસને મ્હાત આપવા અપક્ષ ઉમેદવારોને ચૂંટણી લડાવવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દલિત, મુસ્લિમ તથા ઓ.બી.સી. સમાજનો એક મોટો વર્ગ ભાજની પણ વોટ બેંક છે. જેથી કચ્છમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ત્રિજો મોરચો ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીઓની ઉંઘ હરામ કરે તેવી પુરે પુરી શકયતાઓ છે.

Get real time updates directly on you device, subscribe now.