નખત્રાણાના બેરૂ તથા દેશલપર ગુંતલીની સીમ માંથી પસાર થતી વીજલાઇનોથી ખૂડૂતોને નુકશાન અને મોરના મૃત્યુ : RDAM
ભુજ : નખત્રાણાના બેરૂ ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ગામ માથી પંચાયત કક્ષાએ જાણ કર્યા વગર વીજ લાઇન પસાર કરવા તેમજ દેશલપર ગુતલીની સીમમાં મોરના રહેણાંકને પવનચક્કીના વીજ પોલ અને વીજ વાયરથી મોટું નુકશાન થયા મુદે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વાર આવેદન આપવામાં આવ્યુ છે.
નખત્રાણા તાલુકાના બેરૂ ગામની સીમમાં પાવરગ્રીડ કંપની દ્વારા વગર પરવાનગીએ વીજ લાઇનો પસાર કરી રહી છે. આ સીમમાં મોટા મોટા વીજ પોલ ઉભા કરાયા છે. આ કામગીરીથી પર્યાવરણ, સીમમાં રહેલ મીઠી ઝાડી તેમજ ખનીજ ને મોટા પાયે નુકશાન થઇ રહ્યુ છે. આ કામગીરી ગામના સરપંચ કે સભ્યોને કોઈ પણ જાણ કર્યાં વગર કરાતા, પંચાયતના સરપંચ તથા સભ્યો અટકાવવા જતા કોન્ટ્રાક્ટરે ધાક-ધમકી કરી આ પ્રવૃતિ ચાલુ રાખી છે. આ પ્રકારનું કંપની તથા કોન્ટ્રાક્ટરનુ વલણ સાંખી શકાય નહી. અન્યત્ર પણ જે ગામોમાં પવનચક્કીના વીજપોલ તથા વીજલાઇન પસાર કરાઇ છે, ત્યાં પણ કંપની દ્વારા આવા માથાભારે કોન્ટ્રાક્ટરો રાખી ગ્રામજનો તેમજ નાના-મોટા ખેડૂતોને પરેશાન કરાવામાં આવેલ છે. બબ્બે વર્ષથી જે વિસ્તારમાં વીજ લાઇન પસાર થઇ છે, તે વિસતારના ખેડૂતોને હજી સુધી વળતર પણ ચુકવવામાં આવ્યુ નથી. વળતર મુદે હાલ ખેડૂતોની કોઈ સાંભળતું નથી, આ મુદે પોલીસને કરેલી અરજીઓ પણ એમ જ દફતર થઇ જાય છે જે ખૂબજ દૂખદ છે. આ તમામ મુદા ધ્યાને લઇ ગ્રામજનો તેમજ ખેડૂતોને ન્યાય અપાવવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા નાયબ કલેકટર અબડાસાને આવેદનપત્ર આપ્યુ છે. જો આ બાબતે યોગ્ય ન થાય તો નખત્રાણા નાયબ કલેકટર કચેરો સામે ખેડૂતો અને ગ્રામજનોને સાથે રાખી અચોક્કસ મુદતના ધરણા કરવાની પણ ચીમકી અપાઇ છે.
નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી ગામે આવેલા ગુંતલી માતાના મંદિર તથા શિવ મંદિરના વિસ્તારમાં સેંકડો રાષ્ટ્રીય પક્ષી મોર વસવાટ કરે છે. આ વિસ્તારમાં સવાર સાંજ મોર ચણવા આવે છે. આ વિસ્તારમાં પણ પવનચક્કીની વીજલાઇન પસાર થવાના કારણે કેટલાય મોરોના મૃત્યુ થયા છે. આ મુદે અવારનવાર પક્ષી પ્રેમીઓ તથા ગ્રામજનો એ રજૂઆત કરી છે પણ માથાભારે કોન્ટ્રાક્ટરો કોઈને દાદ આપતા નથી. રજૂઆત કરનારાઓને કોન્ટ્રાકટર દ્વારા ધાક ધમકી આપવામાં આવે છે. માટે આવા વિસ્તારમાં પવનચક્કીની વીજલાઇન પસાર થવા મંજુરી ન આપવામાં આવે, અગાઉ પણ પણ છારી ઢંઢ, પાલરગુનો, પોલડીયા વિસ્તારમાં આ કામગીરી ન કરવા અનામત રાખ્યા છે. તે જ રીતે દેશલપર ગુંતલી તેમજ અન્ય આવા વિસ્તારો કે જયાં મોરના વસવાટ છે તેને અનામત જાહેર કરવામાં આવે અન્યથા કચ્છમાં રાષ્ટ્રીય પક્ષીની જે સંખ્યા ઘટી છે તે હવે આવનારા સમયમાં મોર નામશેષ થઇ જશે તેવું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તથા ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું.
આ બંને મુદાઓને લઇ આજે નખત્રાણા નાયબ કલેકટર કચેરીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદન અપાયું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી નરેશ મહેશ્વરી, પ્રભારી રમજાન સમા, સહ પ્રભારી હુશેન થેબા, જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી, મહામંત્રી ઇકબાલ જત, ખજાનચી જાકબ જત, નખત્રાણા પ્રમુખ દિનેશ મારવાડા, ઉપપ્રમુખ કરણ બુચીયા, મહામંત્રી યોગેશ જેપાર, જયંત મારવાડા, માંડવી પ્રમુખ ચાંપશીભાઇ તેમજ બેરૂ ગામના દલિત તેમજ રબારી સમાજના આગેવાનો તથા દેશલપર ગુંતલીના ગ્રામજનો, પક્ષી પ્રેમીઓ હાજર રહ્યા હતા.