રાજકીય કિન્નાખોરી અને અધિકારીઓની ભેદભાવ ભરી નિતીના કારણે બન્ની-પચ્છમ વિસ્તારના ગામોને થતી પાણીની સમસ્યા મુદે રજૂઆત
ભુજ : હાઇકોર્ટના અહેવાલનો અમલ ન કરી, રાજકીય કિન્નાખોરી તેમજ અધિકારીઓની સાંઠગાંઠના કારણે સરહદી બન્ની-પચ્છમ વિસ્તારમાં પાણીની સમસ્યાનો નિકાલ ન આવવા મુદે આજે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
બન્ની પચ્છમ વિસ્તારની રતડીયા જુથ ગ્રામ પંચાયત હેઠળમાં આવતા ગામોમાં પાણી પુરૂં પાડવા વર્ષ 2016-17માં ડી.એમ.એફ પ્રોગ્રામ હેઠળ 1 લાખ લીટરની ક્ષમતા વાળો અંડરગ્રાઉન્ડ ટાંકો બની ગયેલ છે, તદ્દઉપરાંત હાઇકોર્ટના અહેવાલમાં કચ્છ માટે પાણીનો પૂરતો જથ્થો હોવાથી સરહદી ગામોમાં પાણીની વ્યવસ્થા થશે તેવી કોર્ટમાં ખાતરી આપવા છતાં રતડીયા જુથ ગ્રામ પંચાયત હેઠળ આવતા મોટી રોહાતળ, નાની રોહાતળ, સીમરી, નાના પૈયા વગેરે ગામોની પાણી સમસ્યા મુદે રાજકીય કિન્નાખોરી રાખી અને પાણી પુરવઠાના અધિકારીઓની ભેદભાવ ભરી નિતી અપનાવી રહ્યા છે , જેનો ભોગ સરહદી ગામની જનતા બની રહી છે. આ મુદે રતડીયા જુથ ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2018 થી સતત સબંધિત તંત્રને લેખીત રજુઆત કરવામાં આવી છે. વધારેમાં ભુજ તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા જુમ્મા અલીમામદ સમા દ્વારા પણ વર્ષ 2016 થી સતત રજૂઆત છતાં પાણીની સમસ્યા હલ થઈ નથી. આ તમામ સમસ્યાની જડ રાજકીય કિન્નાખોરી કરનારા સાથે અધિકારીઓની મીલીભગત હોવાનો આક્ષેપ કરાયો છે. છેલ્લા દોઢ વર્ષથી લાઇટનો મીટર તથા પાણીની મોટર ઉપલબ્ધ છે, સરકાર દ્વારા આટલી મોટી ગ્રાન્ટ આપવા છતાં પાણી ન મળે તે અયોગ્ય છે. આ વિસ્તારની પાણીની સમસ્યા માટે સમગ્ર જિલ્લાનો તંત્ર તથા નાયબ કાર્યપાલક ઇજનેર જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે. પાણી પુરવઠા દ્વારા ભુતિયા ટેન્કરોના નામે સરકાર માંથી નાણા ઉઘરાવી લાખો રૂપિયાનું કૌભાંડ આચરાઇ રહયુ છે, જેના માટે નાયબ કાર્યપાલક ઇજનેર સામેલ હોવાનો આક્ષેપ કરાયો છે.
રતડીયા જુથ ગ્રામ પંચાયત હેઠળ આવતા ગામોની પાણીની સમસ્યા જલદીથી ઉકેલી, આ સમગ્ર મુદે જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવા કોંગ્રેસ પરતિનિધી મંડળે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રદેશ મહામંત્રી આદમ ચાકી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રસીદ સમા, તાલુકા પંચાયત પૂર્વ વિપક્ષી નેતા જુમ્મા સમા, ડો. રમેશ ગરવા, ઘનશ્યામસિંહ ભાટી, લખુભા સોઢા, ખેતુભા જાડેજા, એચ.એસ. આહિર વગેરે જોડાયા હતા.