૭૨ માં પ્રજાસત્તાક પર્વની ભુજ મધ્યે મંત્રી દિલીપકુમાર ઠાકુરની ઉપસ્થિતિમાં ઉજવણી : સાત પ્લાટુનની પરેડ સલામી અને માર્ચપાસ્ટ
ભુજ : જિલ્લા કક્ષાના ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના વરદ્ હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પીને કરવામાં આવી હતી. જિલ્લા મથક ભુજ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ સાત પ્લાટુનની સલામી સાથે મનાવાએલા ગણતંત્ર પર્વમાં નામી અનામી શહીદો, સ્વાતંત્ર્યવીરો અને દેશભકતો તેમજ ભૂકંપપીડિતોને ભાવભીની ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસના મંત્રી દિલીપકુમાર ઠાકોરે, ‘‘કચ્છ જે ખમીરવારે માડુએકે ૭૨મે પ્રજાસત્તાક દીજી લખલખ વધાઈયું (કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૨માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ)’’ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક સાથે જોડાએલા તમામનું સમર્પણ મહાન, ઉત્કૃષ્ટ અને અમુલ્ય હતું. દેશના સ્વાતંત્રવીરો અને શહિદોને આ પર્વે નતમસ્તક વંદન કરું છું. સાથે સાથે વૈશ્વિક મહામારી કોરોના વોરિયર્સ અને કોવીડની રસી શોધનાર વૈજ્ઞાનિકોનો હ્રદયપૂર્વક આભાર માની સૌને ઉત્કૃષ્ટ કામગીરી અને સેવા માટે બિરદાવું છું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, શ્યામજી કૃષ્ટવર્મા, લાલબાલપાલની ત્રિપુટી તેમજ ૧૮૫૭ સંગ્રામના ક્રાંતિકારીઓ અને ભારત રત્ન અટલબિહારી વાજપેઇ જેવા અનેક દેશપ્રેમીઓને સ્મરણાંજલિ આપતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘‘બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરે મહામુલું બંધારણ આપીને દેશને સુપેરે ચલાવવાનો રાજમાર્ગ બનાવી આપ્યો છે. બંધારણના અભ્યાસુ ગ્રેનવિલ ઔસ્ટિનના મતે ડો.આંબેડકર દ્વારા તૈયાર બંધારણનો મુસદો સર્વ પ્રથમ સામાજિક દસ્તાવેજ છે તેની મોટાભાગની જોગવાઇઓ સામાજિક ક્રાંતિના ઉદે્શને આગળ ધપાવવા કરાએલ છે. ભારતનું લચીલું બંધારણ રાજયોહિત સમાવેશ વાળું છે. સંસદીય અને રાજય પદ્ધતિના સમન્વય સમુ બંધારણ સહુ ભારતીયોને એક તારે જોડનાર છે.’’
કુદરતી આફતો, કોરોના મહામારી, દુષ્કાળ, વાવાઝોડા અને ભૂકંપ સહન કરનાર ખમીરવંતી ગુજરાતી પ્રજાને બિરદાવતાં આ તકે મંત્રીશ્રીએ દુનિયાને રાહ ચીંધનાર વૈજ્ઞાનિકોને પણ બિરદાવ્યા હતા. મંત્રીશ્રીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘‘પ્રત્યેક દેશવાસીઓએ કોરોનામાં સુરક્ષિત, મજબૂત બનવું પડશે. આપણે સૌ સુદ્ઢ આયોજનથી કોરોનાને મહાત કરીશું. તમામ ગુજરાત વતી હું આરોગ્ય, પોલીસ અને તમામ કોરોના વોરિયર્સનો આભાર માનું છું.
કચ્છ જિલ્લાની સંસ્કૃતિ, વિરાસત અને વિવિધતાને દર્શાવતા તેઓએ કચ્છના ગૌરવંતા અને નોંધનીય ઐતિહાસિક વારસાને આ તકે રજુ કરતા માનભેર જણાવ્યું હતુંકે, ‘‘કચ્છએ હંમેશા ભારતને ગૌરવ આપ્યું છે વિવિધ સંસ્કૃતિમાં કચ્છનો વિશેષ હિસ્સો છે.
૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં મહામુલી જિંદગીઓ ગુમાવ્યા બાદ કચ્છની ખમીરવંતી પ્રજાએ મક્કમ મનોબળ અને ધીરજથી જનજીવનને પુનઃધબકતું કર્યુ છે એ માટે કચ્છી માડુઓ જોનારની આંખ ચાર કરે તેવા છે. કચ્છની સમૃધ્ધિના પહેલાં હક્કદાર કચ્છીમાડુઓ છે. ભારત માતાકી જય… જય જય ગરવી ગુજરાત…’’ આ તકે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. પરેડ કમાન્ડર અને રીઝર્વ પોલીસ સબ ઈન્સપેકટર એસ. એમ. ચૌહાણની આગેવાની હેઠળ વિવિધ સાત પ્લાટુનની માર્ચપાસ્ટ કરવામાં આવી હતી.
ઉપસ્થિત સરહદી રેંજ ભુજ આઇજીપી જે.આર.મોથલીયાને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થનાર રાષ્ટ્રપતિ મેડલનું સન્માન જાહેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે પોલીસ બેન્ડની સુરાવલીની દેશભકિતથી રંગાયેલ કચ્છના દેશપ્રેમી પ્રજાજનો સાથે સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી કેશુભાઇ પટેલ, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., ડીડીઓ ભવ્ય વર્મા, બોર્ડર રેંજ આઇજીપી જે.આર.મોથલીયા, પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભસિંઘ, પૂર્વ કચ્છ એસ.પી. મયુર પાટીલ, અધિક નિવાસી કલકેટર કુલદીપસિંહ ઝાલા, ડીઆરડીએ નિયામક મેહુલ જોષી, ભુજ પ્રાંત મનીષ ગુરૂવાની, નાયબ પોલીસ અધિક્ષક પંચાલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, સીવીલ સર્જન બુચ, નારાયણ જોશી તેમજ જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીશ્રીઓ, અધિકારીઓ, મીડીયા કર્મીઓ આ ઉપસ્થિત રહયા હતા.