કિડાણા કાંડ : ટોળાની આંખે પાટા…ટાર્ગેટ “નુરમામદ” હતો, ને “અર્જુન” મોતના મુખમાં ધકેલાયો..!!
ભુજ: એણે તો કચ્છના વખાણ સાંભળ્યા હતાં… પોતે ઝારખંડનો વતની હતો… ઝારખંડ છોડીને કચ્છ આવવાનું કારણ, રોજી રોટીની તલાશ હતી. કચ્છના પર્યટન, કુદરતી સૌંદર્ય, અને સદભાવનાની ઘણી વાતો સાંભળી હશે… મજૂરી કામે આવતા જતાં કે કિડાણાથી બહાર જતાં રિક્ષામાં બેસીને આવ જા કરતો… રાબેતા મુજબ એ રિક્ષામાં બેસીને જઈ રહ્યો હતો. એને ક્યાં ખબર હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ટીવી ચાલુ કરતાં જ નેતાઓના ભડકાઉ બોલ કાનના પડદાને અથડાઈને પછી ભૂલી જવાય છે. કારણ કે એ તો મજૂર હતો… રોજ સવારના ઉઠીને પેટનો ખાડો પૂરવા અથાગ શ્રમ કરીને થાકી ચૂકીને ઘરે પરત ફરતો. દૂનિયાનો શ્રમિક આવી ઘટના સમજવા લગભગ સમક્ષ નથી હોતો..!! રામ મંદિર નિર્માણ નિધી એકત્ર કરવા નિકળેલ રથ યાત્રા દરમ્યાન બંને જુથો સામ-સામે આવી જતા કિડાણા ભડકે બળ્યું હતું…ઠેક ઠેકાણે હથિયારોથી સજ્જ ટોળા આમસામે વાર કરી રહ્યાં હતાં…ટોળા પર ધર્માંધતા સવાર હતી, આગળ જતાં ધર્મ સૌ ભૂલી ગયા હતા..!! પોતાના-પારકાની ઓળખ જ ન હતી…જાણે બધાની આંખે પાટા બંધાઈ ગયા હતા..!! વિફરેલા ટોળા એ રિક્ષાચાલક પર વાર કર્યો, ગભરાયેલો ચાલક રિક્ષા છોડી લોહી લુહાણ હાલતમાં ભાગી નિકળ્યો…ટોળા એ હવે પેસેન્જરો પર વાર કર્યો.નાસભાગ મચી ગઈ…એ રિક્ષામાં પાંચ પેસેન્જર સવાર હતાં…!! રિક્ષાનો ચાલક “નુરમામદ” હોસ્પિટલમાં દાખલ છે, અને “અર્જુન”ની લાશ કિડાણાની ગૌશાળા પાસેથી મળતાં પોલીસે તેની હત્યા બદલ ટોળા વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે, જેનો ફરિયાદી “નુરમામદ”છે..!! જ્યારે કોર્ટમાં આરોપીઓ, ફરીયાદી અને “અર્જુન”નો પરિવાર સામે આવશે ત્યારે કેવા દ્રશ્યો સર્જાશે..? આ વિચાર કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય…હવે મજૂર “અર્જુન”ના પરિવારને ન્યાય અપાવવા રિક્ષાચાલક “નુરમામદ” ફરીયાદી તરીકે લડશે..!!
એટલે જ કહેવાય છે, ટોળાનો કોઈ ધર્મ નથી હોતો…ધર્મ, જાતિ કે રાજકીય પાર્ટીના નામે ઉશ્કેરાયેલા ટોળાંની ખરેખર કોઈ જ ઓળખ હોતી નથી. કોઈપણ નાત કે જાતનું ટોળું જ્યારે નિકળે છે, ત્યારે તેના આંખે ઉન્માદનો પાટો બંધાઈ જાય છે. ઝૂંડમાં રહેતાં પ્રાણી પણ પોતાના,પારકાને ઓળખે છે, પણ ઉશ્કેરાયેલા ટોળામાં શામેલ માનવ અંધ બની જાય છે, એ ઝારખંડના શ્રમિક અર્જુન માનકી સાવૈયોની હત્યા પરથી બોધપાઠ મળે છે. કોઇપણ બેફામ, નિરંકુશ ટોળા તરફ ધસી જવું એ કુદરતે આપેલાં જીવન માટે ખતરો છે, જેના અણધાર્યા પરિણામો પણ આવી શકે છે, તેથી શાંતિ, સૌહાર્દ, અને સદભાવનાનું વાતાવરણ બનાવી રાખવું દરેક માનવની ફરજ છે. આપણે લોકશાહી વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ, કોઈપણ ટોળા કે વર્ગનો નહીં, કાયદો સર્વોપરી છે એ વાત યુવાવર્ગને ખાસ સમજવાની જરુરત છે.