નેશનલ હાઇવે ઓથોરિટીની ગાંધીધામ સ્થિત ઓફીસ પાલનપુર ખસેડવા તજવીજ : કચ્છના MP અને તમામ MLA કચ્છ હિતમાં રજૂઆત કરે
ભુજ : નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ગાંધીધામ સ્થિત ઓફીસ પાલનપુર ખસેડવા તજવીજ હાથ ધરાઇ છે. જે નિર્ણયને રોકવા કોંગ્રેસી આગેવાન અને કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલે રજૂઆત કરી છે.
વી. કે. હુંબલે નિતીન ગડકરી તથા સાંસદ કચ્છ અને તમામ કચ્છના ધારાસભ્યોને રજૂઆત કરી છે. જેમા જણાવ્યું છે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ડિવીઝન કચેરી ગાંધીધામ મધ્યે કાર્યરત છે. જે કચ્છમાં નેશનલ હાઇવેના જુદા જુદા પ્રોજેક્ટો સંભાળે છે. આ ઓફીસને પાલનપુર ખસેડવા તજવીજ થઇ રહી છે જે બાબત ખુબજ ગંભીર છે. કચ્છથી પાલનપુર 300 કી.મી.ના અંતરે આ પ્રોજેક્ટો કેવી રીતે સંભાળાશે ? નેશનલ હાઇવેના કચ્છમાં હાલ ગણા પ્રોજેકટ ચાલુ છે. જેમાં ગાંધીધામ થી મુન્દ્રા, વરસાણા, ભીમાસર, અંજાર થી ભૂજ ધરમશાળા ને. હાઇવે નં. 341, ગાંધીધામ થી સામખીયારી, સામખીયારી થી રાધનપુર, દિશા, પાલનપુર રોડ વગરે રસ્તાઓના કામ છે. આ ઓફીસ બંધ થાય તો અધિકારીઓને 300 કી.મી. ના ધક્કા ખાવા પડશે જે યોગ્ય નથી. ગૂજરાત અને દેશના સૌથી વધુ ટ્રાફીક વાળા રસ્તા કચ્છમાં આવેલ છે. કંડલા અને મુન્દ્રા જેવા બંદરોના કારણે સૌથી વધુ પરિવહન કચ્છમાં થાય છે. આ બાબતને ધ્યાને લઇ આ કચેરી પાલનપુર ન ખસેડવા રજૂઆત કરાઇ છે. જો આવું થશે તો કચ્છના તમામ પ્રોજેક્ટો પર ગંભીર અસર થશે.
ઉપરાંત કચ્છના સાંસદ અને સતાપક્ષના ધારાસભ્યોએ એક જુટ થઇ કચ્છના હિતમાં ભાજપની નેતાગીરી અને સરકારના ટ્રાન્સપોર્ટ-રોડ અને નેશનલ હાઇવેના મીનીસ્ટર નિતિન ગડકરીને રજૂઆત કરવી જોઈએ તેવું વી.કે. હુંબલે યાદીમાં જણાવ્યું છે.