“બેટી બચાવો, બેટી પઢાવો” ના નારાનો છેદ ઉડાડતો માધાપર જુ. તલાટી : તંત્ર, સરપંચનો કોઈ અંકુશ ન હોવાથી ચાલે છે અમલદારશાહી
ભુજ : ગુજરાત સરકાર અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી “બેટી બચાવો, બેટી પઢાવોના નારા સાથે કામ કરતા હોવાની વાતો કરે છે. તે વચ્ચે માધાપર જુનાવાસ તલાટી મંત્રી દ્વારા એક દિકરીને સ્કોલરશિપ માટે જરૂરી આવક અને જાતિના દાખલામાં અભિપ્રાય ભરવાની ચોખ્ખી ના પાડી, સરકારના જ અધિકારીએ માનનીય વડાપ્રધાન ના “બેટી બચાવો, બેટી પઢાવો” ના નારાનો છેદ ઉડાડ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.
માધાપરમાં રહેતા જાનમામદ નુરમામદ ખલીફાની દિકરીને સ્કોલરશીપ મેળવવા આવક અને જાતિના દાખલાની જરૂર હતી. આ દાખલા મામલતદાર કચેરીએ આવેલ જનસેવા કેન્દ્રમાંથી મળે છે. આ દાખલા માટે છે ફોર્મ ભરાય છે, તે ફોર્મમાં ગામના તલાટી મંત્રીનો અભિપ્રાય ભરાવવાનો હોય છે. ત્રણેક મહિના પહેલા અરજદાર આ અભિપ્રાય માટે ગયા ત્યારે તલાટીએ આ દિકરીના દાદાનો વેરો બાકી હોવાનું કારણ આગળ ધરી અભિપ્રાય ભરવાની ચોખ્ખી ના પાડી હતી. ગુજરાત પંચાયત ધારામાં આ પ્રકારની કોઈ જોગવાઇ નથી કે વેરા ભરેલા ન હોય તો અરજદારોને દાખલા ન આપવા છતાંય તલાટીએ પંચાયત ધારા વિરૂદ્ધ જઇ અને આવો જવાબ અરજદારને આપ્યો હતો. આ મુદે તાલુકા વિકાસ અધિકારીને 10 સપ્ટેમ્બર, એટલે કે 3 મહિના પહેલા ફરિયાદ કરાઇ છે. આ ફરિયાદને ત્રણ મહિના થયાં છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરી માધાપર જુનાવાસમાં અમલદારશાહીનો પાયો નખાયો છે. ગામના સરપંચ પ્રથમ નાગરિક કહેવાય, સરપંચનો પણ આ તલાટી પર અંકુશ ન હોવાથી માધાપર જુનાવાસમાં તલાટી દ્વારા અમલદાર શાહી ચલાવાય છે.
આ મુદે તાલુકા વિકાસ અધિકારીને 3 મહિના પહેલા રજૂઆત કરાઇ છતાં આ દિકરીના દાખલા માટે અભિપ્રાય ભરાયો નથી માટે સરકારની “બેટી બચાવો બેટી પઢાવો” ની નિતી અધિકારી સમક્ષ મજબુર હોય તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે. આ સમગ્ર મુદે તંત્રના ઉચ્ચ અધિકારીઓ તલાટીને પાઠ ભણાવી સરકારના નારાને સાર્થક કરે તેવી માંગ ઉઠી છે.