કોંગ્રેસ અબડાસા હાર માટે દોષનો ટોપલો ફક્ત લઘુમતિ સમાજ પર ઢોળી રહી હોવાના ખેદ સાથે અબડાસા કોંગ્રેસી આગેવાનોના રાજીનામા
ભુજ : અબડાસા વિધાનસભા વિસ્તારના લખપત તેમજ અબડાસા તાલુકા પ્રમુખ સહિત અનેક રાજીનામા આપાયા હોવાનું જાણવા મળ્યું છે. કચ્છના કોંગ્રેસમાં ફરી એક વખત નારાજગી સામે આવી છે. અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં હાર થતા કોંગ્રેસ પાર્ટી દોષનો ટોપલો ફક્ત લઘુમતિ સમાજ માથે ઢોળી રહી હોવાના આક્ષેપ સાથે આજે અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરાએ રાજીનામું ધરી દીધું છે.
રાજીનામામાં જણાવ્યું છે કે પક્ષને સતત વફાદાર રહી 2012, 2014 અને 2017 માં પાર્ટીને જ્વલંત વિજય અપાવ્યો છે. હાલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસની થયેલ હાર મુદે કોંગ્રેસ પ્રભારી અને કોંગ્રેસના બની બેઠેલા આગેવાનો ટીકા ટીપ્પણી કરી, દોષનો ટોપલો ફકત લઘુમતિ સમાજ પર ઢોળી રહ્યા છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો આવનારી સ્થાનિક સ્વરાજનો ચૂંટણીમાં મોટી હાર ખમવી પડે તેમ છે. આ બાબત પક્ષના મોવડીઓ સારી રીતે જાણે છે. કોઈ પણ નક્કર કામગીરી ન થવાના કારણે કોંગ્રેસની હાર થઇ છે. આમ છતાંય હાર માટે ફકત અને ફક્ત મુસ્લિમ સમાજને જવાબદાર ગણવામાં આવે છે. આ વાતથી નારાજ થઇ ઇકબાલ મંધરાએ રાજીનામું આપ્યુ હોવાનું ઉલ્લેખ જિલ્લા પ્રમુખને અપાયેલ રાજીનામામાં કરાયો છે.
ઇકબાલ મંધરા સિવાય અબડાસા યુથ કોંગ્રેસ પ્રમુખ અભુ હિંગોરા, અબડાસા આઇ. ટી. સેલ પ્રમુખ અબ્દુલ હમીદ ચાકી, એસ.સી સેલ વિશ્રામ ગોરડીયા, કિશાન સેલ પ્રમુખ મોહન વડોર, લઘુમતી પ્રમુખ સાલેમામદ હાલેપોત્રા, લખપત તાલુકાના કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાસમ નોતિયાર, લખપત કોંગ્રેસ લઘુમતિ પ્રમુખ આદમ રાયમા વગેરે આગેવાનોએ રાજીનામું આપી દીધો છે. હજી પણ અબડાસા વિધાનસભા મત વિસતારમાં કોંગ્રેસી આગેવાનો રાજીનામા આપે તેવી શક્યતા છે.