અંજાર દબળા સર્કલથી નાગલપર રોડ પર ભારે માલવાહક વાહનોના પ્રતિબંધનું જાહેરનામું ફક્ત કાગળ પર : ગ્રાઉન્ડ લેવલે આમલવારી કરાવવા માંગ
ભુજ : ગત જુલાઇ માસમાં કચ્છ કલેકટરે અંજાર દબળા સર્કલથી મોટી નાગલપર જતા માર્ગ પર ભારે માલવાહક વાહનોના પ્રતિબંધ માટે બહાર પડેલ જાહેરનામાની જમીની સ્તરે અમલવારી ન થતી હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છના પૂર્વ અધ્યક્ષ રોશનઅલી સાંધાણીએ કરી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે 22 જુલાઇના રોજ કલેકટર કચ્છ દ્વારા લોક લાગણીને ધ્યાને લઇ અંજાર દબળા સર્કલ થી યોગેશ્વર ચોકડી, જનરલ હોસ્પિટલ રોડ થઇ મોટી નાગલપર જતા રોડ પર ભારે માલવાહક વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાડતો જાહેરનામું બહાર પડાયું છે. તેમ છતાંય આ રોડ પર ભારે માલવાહક વાહનો ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. ભારે માલવાહક વાહનો જાહેરનામું હોવા છતાં પણ તંત્રની મઠી નજર હેઠળ ચાલી રહ્યા હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરાયો છે. આ રોડ પર અકસ્માતમાં અનેક લોકોએ પોતાના જીવ ખોયા છે. આ રોડ પર સ્કૂલો તથા હોસ્પિટલો પણ આવેલ છે. પૂર્વ કચ્છ જિલ્લા ખાણ ખનીજની ઓફીસ પણ આ રોડ પર છે. તેમ છતાંય ઓવરલોડ વાહનો બેફામ ચાલી રહ્યા છે. આ ભારે માલવાહક વાહનો બંધ કરવા તંત્રને અનેક વાર લેખિત મૌખીક રજૂઆત કર્યા બાદ પણ કોઈ નકકર કાર્યવાહી થઇ નથી.
આ જાહેરનામું હાલ ફક્ત કાગળ પર જ હોવાથી, જાહેરનામાની અમલવારી જમીન સ્તર પર કરી, સંપૂર્ણ પણે અમલવારી કરાવવામાં આવે, જેથી આવનારા સમયમાં અકસ્માતોથી લોકોના થતા મૃત્યુ રોકી શકાય, તેમજ આ રોડ પર લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી રજૂઆત કલેકટર કચ્છ સમક્ષ કરવામાં આવી છે.