અંજારમાં ઇ-સ્ટેમ્પ કેન્દ્રો દ્વારા વધારાના રૂપિયા લેવાતા હોવાની રાવ
અંજાર : ઇ-સ્ટેમ્પ પર વધારાના રૂપિયા લેવાતા હોવાના આક્ષેપ સાથે આજે પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચ્છ તથા નાયબ કલેકટર અંજારને સંબોધી આવેદન પત્ર આપ્યુ છે.
આવેદનમાં જણાવ્યા મુજબ અંજારમાં 12 જેટલા ઇ-સ્ટેમ્પ કેન્દ્રો કાર્યરત છે. જેમાં કેન્દ્રના સંચાલકો દ્વારા તંત્રની નાક નીચે સરકાર તેમજ લોકો સાથે છેતરપિંડી કરી ઇ-સ્ટેમ્પની નિયત રકમ કરતા વધારાનો કમિશન મેળવી ઉચાપત કરવામાં આવી રહી છે. જે અત્યંત ગંભીર બાબત છે. આ બાબતે એવી વાતો થાય છે કે ઇ-સ્ટેમ્પના કેન્દ્રના સંચાલકોને ઓછું કમિશન મળતું હોવાથી તેઓ ભ્રષ્ટાચાર કરે છે, જે પાયાવિહોણી વાતો છે. કેમ કે જે તે સરકારે નિમેલી એજન્સી દ્વારા લેખિત કરાર કર્યા બાદ જ કેન્દ્ર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે છે. જેમાં કમીશનની રકમનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે. જેથી કેન્દ્રના સંચાલકોને પોષણ થયા બાદ જ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હોવાથી ખોટી દલીલો કરી ભ્રષ્ટાચાર આચરી વધારાનો કમિશન લેવામાં આવી રહ્યું હોવાનું જણાય છે. જેથી આવા લેભાગુ તત્વો પર રહેમ દ્રષ્ટિ રાખ્યા વિના આપના દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરી અને કસૂરવાર કેન્દ્ર સંચાલકનો લાયસન્સ રદ કરી તેના વિરુદ્ધ ફોજદારી રહે કાર્યવાહી કરાય તેવી માંગ આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ દ્વારા કરવામાં આવી છે.
આ બાબતે તાત્કાલીક અસરથી કાર્યવાહી કરવા માંગ કરાઇ છે અને તેમ છતાં જો કાર્યવાહી નહિ થાય તો તંત્ર પણ આ ભ્રષ્ટાચાર માં સામેલ છે તેવું માની ઉપરી કક્ષાએ રજુઆત કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. આવેદન પત્ર આપવા સમયે રોશનઅલી શાંધાણી પ્રમુખ આપ-પૂર્વ કચ્છ જિલ્લા, સમીરભાઈ દુદાની, નેહાલભાઈ અન્સારી, હિરેનભાઈ સોરઠીયા, સાવન ગોસ્વામી, વિવેક વોરાની, જીમિતભાઈ, વગેરે હાજર રહ્યા હતા.