નખત્રાણા તાલુકાની નાની ખોંભડી ગામે ખાનગી કંપનીના વિદ્યુત લાઇનમાં અથડાવાથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ
નખત્રાણા : તાલુકાના નાની ખોંભડી ગામે ખાનગી કંપનીના વિદ્યુત ટ્રાન્સમીટરની લાઇન સાથે અથડાતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ થયું છે. જેને કારણે આગ લાગતા ઘાંસ અને મીઠી ઝાડી પણ બળી હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ મુદે નાયબ કલેકટર નખત્રાણાને રજૂઆત કરાઇ છે. ગઇ કાલે સાંજે 7 વાગ્યાના અરસામાં નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામે એન.આર. કોન કંપનીના પવનચક્કીના વિદ્યુત ટ્રાન્સમીટર માંથી નકળતી વીજ લાઇન સાથે મોરના અથડાવાથી મોરનું મૃત્યુ થયું છે. આ બનાવની જાણ વન ખાતાને કરતા તેઓ તાત્કાલીક ત્યાં પહોંચી નખત્રાણા વેટરનીટી હોસ્પિટલમાં મોરના પોસ્ટમોર્ટન માટે મોકલાયો હતો. આ ટ્રાન્સમીટરમાં ધડાકાથી લાગેલ આગના કારણે ઘાંસ તેમજ અન્ય મીઠી ઝાડી પણ બળીને ખાખ થઇ હતી. આ વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં 4 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ નીપજ્યા છે.
કંપની દ્વારા પોતાની મનમાની ચલાવી નીયમોને નેવે મુકી કામ કરાતું હોવાની અવારનવાર રજૂઆત છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઠોસ તપાસ કરી કાર્યવાહી કરાઇ નથી. સતત મોરના થતાં મૃત્યુના કારણે તેની સંખ્યામાં ઘટાડો થશે તે વાતથી પર્યાવરણ પ્રેમીઓમાં દૂખની લાગણી ફેલાઇ છે. જો આ એન.આર. કોન કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટુંક સમયમાં પર્યાવરણ પ્રેમીઓ હાઇકોર્ટનું રૂખ કરશે તેવું રજૂઆત કર્તા જુવાનસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા અને નુરમામદ સાટી દ્વારા જણાવાયું છે.