કચ્છમાં માવઠાથી પાકને થયેલા નુકશાનનું સર્વે કરી, ખેડૂતોને તત્કાલ સહાય ચુકવવા માંગ
ભુજ : કચ્છમાં છેલ્લા બે દિવસથી વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ છે. જેના કારણે ખેડૂતોના પાકને ખૂબજ નુકશાન થયું છે. માવઠાથી થયેલા નુકશાન પેટે મુખ્યમંત્રી કીશાન સહાય યોજના હેઠળ વડતર ચુકવવા જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ દ્વારા કલેક્ટર સમક્ષ માંગ કરી છે.
વી.કે. હુંબલે જણાવ્યું કે સરકારના કૃષી કલ્યાણ અને સહકાર વિભાગના પરિપત્ર મુજબ ખરીફ ઋતુમાં ખેડૂતોને થતા પાક નુક્શાન માટે મુખ્યમંત્રી કીશાન સહાય યોજના હેઠળ 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી 48 કલાકમાં 50 મીમી થી વધુ વરસાદ પડે તો માવઠું ગણાય અને પાકને 33% થી 60% નુકશાન થાય તો આ યોજના હેઠળ પ્રતિ હેકટર 20000 રૂ. અને 4 હેક્ટર સુધી એક ખેડૂતને 80000રૂ. આપવાની જોગવાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ અંજાર તાલુકામાં 78 મીમી અને ગાંધીધામમાં 65 મીમી વરસાદ થયો છે. હકીકતમાં આનાથી પણ વધારે વરસાદ આ બે તાલુકા તથા કચ્છના અન્ય તાલુકામાં વરસાદ થયો છે. માટે આ તમામ વિસ્તારનો સર્વે કરી 4 હેક્ટર સુધી 80000રૂ ની સહાય ચુકવવા માંગ વિપક્ષી નેતાએ કરી છે. આ વરસાદથી ખેડૂતોના ઉભા પાકને ખૂબજ નુકશાન થયું છે. મગફળીનો પાક ખેતરોમાં ઉખડેલો પડ્યો છે. તૈયાર કપાસના પાક તેમજ અન્ય પાકો ગુવાર, મગ, બાજરી, જુવાર, એરંડા, તલ જેવા પાકોને ખૂબજ નુકશાન થયું છે.
માટે આ તમામ નુકશાન નું સર્વે કરી વિગતવાર ડીટેઇલ સરકાર સુધી પહોંચાડી કચ્છના જે તાલુકામાં 50 મીમી થી વધુ વરસાદ પડ્યો છે, તે તમામ વિસ્તારમાં ખેડૂતોને તત્કાલ અસલથી સહાય ચૂકવવા જણાવ્યું છે. આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કીશાન સેલ પ્રમુખ પાલભાઇ આંબલિયાએ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે. જેથી આ બાબતે ત્કાલીક યોગ્ય કરવા પર વી. કે. હુંબલે ભાર મુક્યો છે.