અબડાસા રાજકીય ગરમાવો : કાલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ નલિયા, તો 30, 31 મીએ જીજ્ઞેશ મેવાણી ત્રણેય તાલુકામાં સભા ગજવશે
ભુજ : અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ દિવસોમાં છે. ત્યારે રાજકીય પક્ષની સભાઓ તેમજ અપક્ષની સભાઓ થઇ રહી છે. કોંગ્રેસ-ભાજપ નેતા કચ્છમાં સભા કરી તો હવે અપક્ષ ઉમેદવાર હનીફ પડેયારની સભાને સંબોધવા પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ પાર્ટીના પ્રમુખ આજે કચ્છ આવ્યા છે. તો 30, 31 મીએ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કચ્છ આવી રહ્યા છે.
આજે ભુજ મધ્યે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પધાર્યા છે. આવતી કાલે શંકરસિંહ વાઘેલા જંગલેશ્વર મેદાન, નલિયા ખાતે સવારે 11 કલાકે સભાને સંબોધશે. અબડાસા ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર મુસ્લિમ અગ્રણી હનીફ પડેયારના સમર્થનમાં કચ્છની 2 દિવસની મુલાકાતે શંકરસિંહ આવ્યા છે. હનીફ પડેયાર કે જેઓ અબડાસા બેઠક પર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, તેઓ પર આક્ષેપ થયા હતા કે તેઓને ભાજપ દ્વારા ઉભા કરાયા છે. ત્યારે 2017માં કોંગ્રેસ છોડ્યા બાદ સતત ભાજપ કોંગ્રેસ બંનેનો વિરોધ કરનાર શંકરસિંહે અપક્ષને ટેકો કરતા આ મુદે હવે અબડાસામાં રાજકારણ વધુ ગરમાયો છે.
તો આવનારી 30, 31 ઓકટોબરના આંદોલનના ચહેરા તરીકે જાણીતા વડગામના ધારાસભ્ય, ગુજરાના ફાયરબ્રાન્ડ યુવા નેતા જીજ્ઞેશ મેવાણી પણ કચ્છ મુલાકાતે આવી રહ્યા છે. જીજ્ઞેશ મેવાણી કોઇ પક્ષના સમર્થનમાં નહીં પણ ચૂંટણી સમયે જન જાગૃતિ માટે સભાઓ કરવા આવી રહ્યા છે. અબડાસા વિધાનસભા વિસ્તારના ત્રણેય તાલુકામાં આ બે દિવસ દરમ્યાન સભાઓ સંબોધશે. 30 તારીખે સાંજે કોઠારા, 31 સવારે 11 વાગે દયાપર અને 31મીએ સાંજે 6 વાગ્યે નખત્રાણામાં સભાને જીજ્ઞેશ મેવાણી સંબોધશે તેવું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું.
અબડાસા ચૂંટણી પ્રચારમાં મુખ્ય પક્ષો સિવાય અપક્ષ ઉમેદવારના સમર્થનમાં મોટા નેતાઓની સભા અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની જન જાગૃતિ સભાઓ પર કચ્છ વાસીઓની મીટ મંડાણી છે. આ ઘટનાક્રમ જોતા અબડાસાના રાજકારણમાં આ વખતે નવાજુની થવાના એંધાણો રાજકીય આલમમાં જોવા મળી રહ્યા છે.