પ્રદ્યુમનસિંહ જાડેજા જ ભાજપ તરફથી અબડાસા બેઠકના ઉમેદવાર : સત્તાવાર જાહેરાત
ભુજ : કચ્છની અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપ તરફથી છેલ્લા ઘણા સમયથી પ્રદ્યુમનસિંહ જાડેજાનું નામ નક્કી જ હોવાની ચર્ચા હતી. આજે તેઓની ઉમેદવાર તરિકે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
અબડાસા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ધારાસભ્ય તરિકે રાજીનામું આપી, કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલ પ્રદ્યુમનસિંહ જાડેજા પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. પ્રદ્યુમનસિંહ જાડેજા કે જેઓ 2017 વિધાનસભા ચૂંટણીમાં અબડાસા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ભાજપના ઉમેદવાર છબીલ પટેલને તેઓએ હરાવી અને ધારાસભ્ય તરિકે ચુંટાયા હતા. પણ આ વર્ષે રાજ્યસભાની ચૂંટણી પહેલા જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.
પ્રદ્યુમનસિંહ જાડેજા પર પ્રજા સાથે દ્રોહ કરી અને જનમતનુ અપમાન કરવાના આક્ષેપો થયા.જોકે તેઓનું કહેવું હતું કે તેઓ અબડાસાના વિકાસ માટે આ પગલું ભર્યું છે. પણ હવે આ વાતનો ફેસલો પ્રજા આવનારી પેટા ચૂંટણીમાં સંભળાવી દેશે, કે પ્રદ્યુમનસિંહનું આ નિર્ણય સાચો છે કે ખોટો ? કોંગ્રેસના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરાઇ નથી પણ શાંતિલાલ સેંઘાણીનું નામ ફાઇનલ હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.