અબડાસા વિધાનસભા જંગ 10 ઉમેદવાર વચ્ચે ખેલાશે : અપક્ષો કોંગ્રેસ ઉમદવારની ગણિત બગાડશે ?
ભુજ : અબડાસા વિધાનસભા બેઠક પર ભરાયેલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી. ફોર્મ ચકાસણી બાદ 19 ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા હતા. જે પૈકી 9 જણાએ ફોર્મ પરત ખેંચતા હવે 10 ઉમેદવારો વિધાનસભા જંગમાં મેદાને છે.
જેમાં ભાજપ તરફથી પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસ તરફથી શાંતિલાલ સેંઘાણી, બહૂજન મુક્તી પાર્ટીના યાકુબ મુતવા, ભારતીય જન પરિષદ માંથી મહેશ્વરી રામજી આશાભાઇ, બહુજન મહા પાર્ટી માંથી મેઘવાર ભીમજી ભીખાભાઇ ઉપરાંત અપક્ષોમાં અમૃતલાલ લધાભાઇ પટેલ, ઇબ્રાહીમ જાફર હાલેપોત્રા, પડયાર હનીફ જાકબ, બ્રહ્મક્ષત્રિય ભગવતિબેન ખેતશીભાઇ, રમણીક શાંતિલાલ ગરવાનો સમાવેશ થાય છે. આ પ્રમાણે હવે 10 ઉમેદવારોએ પોતાની દાવેદારી કાયમ રાખી છે.
ઉલ્લેખનીય છે કે 2017 માં પણ ઉમેદવારોની સંખ્યા સરખી જ હતી, પણ આ વખતે મુસ્લિમ સમાજના બે અગ્રણીઓ અપક્ષમાં અને એક યુવક બહૂજન મુક્તી પાર્ટી માંથી છે. તેમજ 3 જેટલા દલિત ઉમેદવારો પણ છે. 2017 માં એક પણ સક્ષમ મુસ્લિમ અપક્ષ ઉમેદવાર ન હતો. સૌ જાણે કે અબડાસા બેઠક પર મુસ્લિમ સમાજના વધુ પડતા મત કોંગ્રેસ પક્ષને પરંપરાગત મળતા આવે છે. આ વખતે ત્રણ મુસ્લિમ મેદાને આવતા કોંગ્રેસના ઉમેદવારની ગણિત બગડી શકે તેવું રાજકીય વર્તુળો માંથી જાણવા મળી રહ્યુ છે.