બંને પાર્ટીની નીતિઓ વિરૂદ્ધ અબડાસા ચૂંટણીમાં અપક્ષમાં ઝંપલાવનાર ઇબ્રાહિમ હાલેપોત્રાએ પ્રચાર શરૂ કર્યું
ભુજ : અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર જોર સોરથી શરૂ થયું છે. તમામ પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો પોત-પોતાના મુદા લઇ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આજે અપક્ષ ઉમેદવાર ઇબ્રાહીમ હાલેપોત્રાએ પણ પોતાના પ્રચારની શરૂઆત કરી છે.
ઇબ્રાહિમ હાલેપોત્રાએ આજે કચ્છની કોમી એકતાના પ્રતિક હાજીપીરની દરગાહ પર સલામી આપી પોતાના પ્રચારની શરૂઆત કરી છે. હાજીપીર દરગાહ પર સલામી બાદ પત્રકાર સાથે વાત કરતા ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીઓને આડે હાથ લેતા તેઓએ જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કામો થતા નથી. કોંગ્રેસનો ધારાસભ્ય હોય તો એમ જવાબ આપે કે અમારી સરકાર નથી અને ભાજપ મુસ્લિમોના કામ કરતી જ નથી. તેઓએ આક્ષેપ કર્યો કે પહેલા ટિકીટો વહેંચાય છે. પ્રજા ધારાસભ્ય ચુંટીને મોકલે તો ધારાસભ્ય વહેંચાઇ જાય છે. પ્રદ્યુમનસિંહ જાડેજાને મુસ્લિમ સમાજે જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા હતા. ત્યારે રાજીનામું આપતી વખતે હાજીપીર દરગાહ વિકાસ અને રોડનો મુદો પણ ઉઠાવવાની જરૂર હતી. અબડાસાની પ્રજાએ કોંગ્રેસ-ભાજપ બંને પક્ષના ધારાસભ્યો ચુંટીને વિધાનસભામાં મોકલ્યા છે. પણ અબડાસાનો વિકાસ થયો નથી. હાજીપીર રોડ બાબતે તેઓએ જણાવ્યું કે આ જગ્યાને તમામ ધર્મના લોકો માને છે. કોમી એકતાનાં પ્રતિક હાજીપીર બાબાના યાત્રાધામનું વિકાસ કરવામાં કોંગ્રેસ-ભાજપ બંને પાર્ટીઓ અવગણના કરે છે. હાજીપીર રોડ વર્ષોથી બીસમાર હાલતમાં છે, કચ્છમાં અનેક રોડ બન્યા પણ આ રોડ ન બનાવવાનું કારણ શું ? તેવો સવાલ પણ તેઓએ ઉઠાવ્યો હતો. કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યોને ફકત નામ માટે હાજીપીરની દરગાહ યાદ આવે છે પણ આ તમામ બાબતો ધ્યાને આવતી નથી. સરકાર ગૌરક્ષાની વાતો કરે છે, ત્યારે હાજીપીર બાબાએ પણ ગૌરક્ષાની માટે શહિદી વહોરી હતી જે બાબતની નોધ લેવા આવતી કાલે અબડાસા આવતા મુખ્યમંત્રીને જણાવ્યું હતું. વધુમાં પ્રજા તેમને વિધાનસભામાં ચૂંટીને મોકલશે તો આ મુદે જે કાંઇ પણ લડત કરવી પડશે તે કરવા તત્પર છે. કદાચ ચૂંટણી હારી પણ જાય તોય પણ આ મુદે તેઓ લડત ચલાવશે તેવું જણાવ્યું હતું.
ત્યાર બાદ હાજીપીર આસપાસ ગામો ધ્રગડવાંઢ, નરા, સમેજાવાંઢ, ઉઠમણી, લુડબાય, ઢોરા, વજીરા, મુરૂ, ઐયર, આમારા, રતડીયા, ઉગેડી, દેશલપર સહિતના વિસ્તારમાં લોક સંપર્ક કર્યો હતો.