વિજય રૂપાણી અહીં આવ્યા એનો મતલબ અબડાસા સીટ કોંગ્રેસ વધુમાં વધુ મતથી જીતશે : હાર્દિક પટેલ
ભુજ : આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને આંદોલન કારી યુવા નેતા હાર્દિક પટેલ કચ્છ મુલાકાતે છે. તેઓ સવારથી અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શાંતીલાલ સેંઘાણીનું ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યાર બાદ નખત્રાણા મધ્યે જાહેરસભાને સંબોધી હતી.
તેઓએ જણાવ્યું કે ગુજરાતની અંદર ભાજપના શાસનમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે, તેના સામેની આ લડાઇ છે. આજે ભાજપના ઉમેદવારને જીતાડવા વિજય રૂપાણીએ સભા કરી તો એવું લાગ્યું કે આ વિસ્તાર માટે કાંઇક સારી જાહેરાત કરી જશે. નખત્રાણા માર્કેટ યાર્ડ નો પ્રશ્ન હોય કે પાકવીમા અને સરકારી કોલેજ જેવુ જાહેરાત કરવી જોઈતી હતી. પણ આવી એકેય વાત આ વિસ્તારની સમસ્યાની કરી ન હતી. હવે શાંતિલાલ સેંઘાણી આ તમામ પ્રશ્નોનુ નિરાકરણ વિધાન સભામાં જઇ અને લાવી આપશે. વિજય રૂપાણી અહી આવ્યા તેનો સીધો મતલબ છે કે આ સીટ જંગી બહુમતીથી કોંગ્રેસ જીતી રહી છે. આ ચૂંટણી જીતવા માટે સારા લોકોને ઉતારવાના બદલે ભાજપ 302 માં અંદર રહેલા લોકોને બહાર લાવી રહી છે. આવું કરી અબડાસા મત વિસ્તારના મતદારોને ડરાવવાની કોશીસ થઇ રહી છે. જે વિકાસના નામે ભાજપમાં જોડાયા છે પણ અઢી વર્ષમાં અબડાસા વિધાનસભા વિસ્તારના એક પણ પ્રશ્ન ની રજૂઆત ધારાસભ્ય તરિકે કરી નથી. હવે જો જનતા ફરી ચૂંટીને મોકલે તોય આ જ પરિસ્થિતિ રહેશે. કારણ કે ભાજપમાં આવા લોકો કોઇ ગરીબ ખેડૂતના ખેતરમાં જબરદસ્તી થાંભલા લગાડવા માટે જ જાય છે. ખેતી મુદે તેઓએ કહ્યું કે વીજય રૂપાણીને ટ્રેક્ટરમાં ગેયર કેટલા હોય તેની ખબર નથી. આવા લોકો સતામાં આવી ગયા છે. સરકારી સ્કૂલ બંધ કરવા મુદે પણ સરકાર પર નિશાનો સાધ્યો હતો. રોજગારી માટે કંપનીઓ સ્થાનિકોને નોકરી આપે તેવો કાયદો પણ સરકાર ન બનાવી શકી હોવાનું જણાવ્યું હતું. સરકાર યુવાઓને બેરોજગાર રાખવા માંગે છે જેથી યુવાનો નવરા બેસી ગામમાં ડખા કરે અને તેનો લાભ લઇ ભાજપ મત લઇ જાય. કોંગ્રેસ પાર્ટી આવું નહી કરે કોઇ ડખા કર્યા વગર, “ન નાત ન જાત, મોહર લગેગી હાથ પર” ને સુત્ર સાથે જાત-પાત ધર્મના નામે નહીં પણ તમામ લોકોએ સાથે મળી આ ચૂંટણી લડવા આહવાન કર્યું હતું.
કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શંતિલાલ સેંઘાણીને જંગી બહુમતીથી જીતાડી વિધાનસભામાં મોકલવા તેમણે જણાવ્યું હતું. શાંતિલાલ સેંઘાણી વ્યવસાયે ડોકટર છે, ભણેલા-ગણેલા હોવાથી આ વિસ્તારની સમસ્યા મુદે અસરકારક રજૂઆત વિધાનસભામાં કરી લોક પ્રશ્નોને વાચા આપશે તેવો વિશ્વાસ હાર્દીક પટેલે વ્યકત કર્યો હતો.