મતદારો પક્ષ પલ્ટુઓને જાકારો આપશે : અબડાસા સહિત આઠેય બેઠક કોંગ્રેસ જીતશે : ડૉ. મનિષ દોશી
માધાપર : ભુજ તાલુકાના માધાપર ગામે આવેલ ફર્ન હોટેલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે યોજાયેલ આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ભાજપના આગેવાનો કચ્છની સમસ્યાઓના નિરાકરણમાં નિષ્ફળ રહ્યા હોવાથી, કચ્છમાં અનેક કામો અધુરા પડ્યા છે. કોંગ્રેસે આવા અનેક કામો માટે આંદોલનો પણ કર્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલે પણ ખેડૂતોના પાકવીમા, પેનલટી ચૂકવણી અને મુખ્યમંત્રી કીશાન સહાય યોજનાની અમલવારી ન થતી હોવાનું જણાવી, સરકારની ખેડૂત વિરીધી નીતિને લઇ સરકારને ઘેરી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શિક્ષણ, અયોગ્ય અને રોજગારી ને લઇને જણાવ્યું કે કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગરીબોને જે શિક્ષણનો અધિકાર આપ્યો તે રાજ્યની ભાજપ સરકાર છીનવી રહી છે. ઓછી સંખ્યાના નામે કચ્છમાં 182 સરકારી શાળાઓ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. ખરેખર વાત એ છે કે સરકારને ગરીબોના શિક્ષણ પાછળ વપરાતા નાણા બોજ લાગે છે. રાજયમાં ગ્રામ સેવક, ટેટ-ટાટ, તલાટી અને બિન સચિવાલય જેવી અનેક ભરતીમાં ગેરરિતિ આચરાઇ, પેપર ફુટવા જેવા બનાવો બન્યા જે યુવાનો સાથે છેતરપીંડી છે. કચ્છમાં નોંધાયા 15052 બેરોજગારો માંથી બે વર્ષમાં ફક્ત ચાર જણાને સરકારી નોકરી મળી છે. અનેક જગ્યાઓ ખાલી હોવા છતા ભરતી કરાતી નથી. આરોગ્યની વાત કરીએં તો કચ્છમાં સરકારી જનરલ હોસ્પિટલોમાં નવા જન્મેલા 2992 બાળકો માંથી 487 સીક ન્યુ બોર્ન યુનિટમાં દાખલ થયા છે પૈકી 366 ના સારવાર દરમ્યાન મોત થયા છે જે આરોગ્ય ક્ષેત્રે ખૂબજ મોટી બેદરકારી છે. કચ્છની જનરલ હોસ્પિટલો , સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સટાફની છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાઓ ખાલી છે. સરકાર દ્વારા આ ખાલી જગ્યાઓ ભરવામાં નથી આવતી. જેના કારણે રોજગારી પણ નથી મળતી અને આરોગ્ય સેવા પણ કથડે છે. 360 કરોડના ખર્ચે બનેલી જી. કે. જનરલ હોસ્પિટલ પણ સરકારે ઉદ્યોગપતિને સોપી કચ્છના લાખો લોકોની આરોગ્ય સેવા સરકારે છીનવી છે. તે સિવાય કચ્છમાં સરકારે રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકી રાષ્ટ્રીય નેતાના સબંધિને નજીવા ભાવે કંપની માટે જમીન આપી દીધી છે. કચ્છમાં સરકારે સરકારી ખરાબો, ટાવર્સ તેમજ ગૌચર જમીનો 1 રૂ. થી 15 રૂ.ના ભાવમાં કંપનીઓને આપેલ છે. આવા અનેક કૌભાંડ કરી ભેગા કરેલા નાણાં ભાજપ ધારાસભ્ય ખરીદવામાં ઉપયોગ કરી રહી હોવાનો આક્ષેપ ડૉ મનીશ દોષીએ કર્યો હતો.
ધારાસભ્ય ખરીદ ફરોખ્ત મુદે તેઓને સવાલ કરાયું કે પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસમાં કામ ન થતા હોવાનુ કારણ આગળ ધરી રાજીનામું આપ્યુ છે. તેના જવાબમાં તેઓએ જણાવ્યું કે તેઓ અઢી વર્ષ પહેલા ભાજપમાં કામ ન થતું હોવાનું જણાવીને કોંગ્રેસમાં આવ્યા હતા. આ તો ભાજપ પાસે સામ-દામ-દંડ-ભેદની નીતી છે. ભાજપ દ્વારા લાલચ આપી જો ન માને તો કેસોમાં ફીટ કરવાની બીક બતાડી યેનકેન પ્રકારે ધારાસભ્ય ખરીદવામાં આવે છે તેવું જણાવ્યું હતુ. હાલ અબડાસા સહિત આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે વફાદાર અને સક્ષમ ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. પ્રજાએ પક્ષ પલ્ટુઓને જાકારો આપવાનો મન બનાવી લીધું છે. જેથી કોંગ્રેસ 8 બેઠકો ફરીથી જીતશે તેવો વિશ્વાસ ડૉ મનિષ દોશીએ વ્યકત કર્યો હતો.