અહેમદ પટેલને હરાવવા “સોપારી” લેનાર ભાજપની બી ટીમ બની કરે છે અપક્ષનો પ્રચાર : આમિત ચાવડા

811

નખત્રાણા : આજે અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા કચ્છમાં આવ્યા છે. રાત્રે નખત્રાણામાં સભા યોજાઇ હતી. સભાની શરૂઆતમાં રાજેશ આહિરે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત અગ્રણીઓનું સન્માન કરાયું હતું. આ સભામાં કચ્છ ભાજપ લઘુમતિ સેલના પૂર્વ પ્રમુખ હાલ ભાજપ લઘુમતિ સેલના પ્રદેશ અગ્રણી અને ભાજપના અબડાસા બેઠકના સહ ઇનચાર્જ અલીમામદ જત 150 કાર્યકર સાથે કોંગ્રેસમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે નખત્રાણાના 50 છેટલા પાટીદારોએ પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યું હતું. કોંગ્રેસમાં જોડાયેલ અલીમામદ જતે ભાજપને છેતરામણી પાર્ટી ગણાવી હતી.

ત્યાર બાદ ઉમેદવાર ડૉ. સેંઘાણીએ અબડાસામાં 5 વર્ષમાં ભાજપના પાપે બે વખત વિધાનસભા ચૂંટણી જનતાના માથે થોપવામાં આવે છે. આ સીલસીલાને ખતમ કરી અબડાસાના ગરીબ લોકોના પ્રશ્નોના નીવેળા અને સમૃધ્ધ અબડાસા માટે તેઓને મત આપી ચૂંટવા અપીલ કરી હતી.

ત્યાર બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાષ્ટ્રવાદની વાતો કરતી ભાજપને આઝાદીની લડાઇમાં નશ્કોરી પણ ફુટી ન હોવાનું જણાવી ભાજપ અને સંઘને આડ હાથ લીધા હતા. અબડાસા પ્રભારી અને ગાંધીનગર ધારાસભ્ય સી.જે. ચાવડાએ આઝાદી પહેલા દેશની આઝાદી માટે બલીદાનો આપનાર અને આઝાદી બાદ પણ દેશની એકતા અને અખંડતા માટે અનેક બલીદાનો આપનાર કોંગ્રેસ જેવી મહાન પાર્ટી માટે વોટ માંગવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. અબડાસાની જનતાને કોંગ્રેસ પક્ષને વધૂને વધુ મતો આપી, ઉમેદવાર ડો. સેંઘાણીને જીતાડવા અપીલ કરી હતી.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આવતી કાલે સરદાર પટેલની જન્મ જયંતિ અને ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથી હોવાથી તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઇન્દિરાજીએ દેશની એકતા અને અખંડતા માટે બલીદાન આપ્યું હોવાનું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે સરદાર સાહેબે કહ્યુ કે જે પણ હોય સાચું બોલો અને સચ્ચાઇ પર ચાલો, આખરમાં જીત સચ્ચાઈની જ થાય છે. સરદાર પટેલે જે શીખવાડ્યું તે ગુજરાત અને દેશ ક્યારેય ભુલશે નહી. ભાજપની વિચારધારાના લોકોએ જ અંગ્રેજોની મદદ કરી હતી અને 15 મી ઓગસ્ટે દેશ આઝાદ થયો ત્યારે આજ લોકોએ તિરંગાનો વિરોધ કર્યો હતો. આવા લોકો દેશની જનતાને રાષ્ટ્રવાદ શીખવાડે છે. પેટા ચૂંટણી સતા માટેની લડાઇ નહી પણ પ્રજાના સ્વાભિમાનની લડાઇ છે. 2017 માં ભાજપે કહ્યું હતું કે 150 સીટ નહીં આવે તો વીજયોત્સવ નહીં મનાવીએ. 2017 માં તેઓ 99 પર અટકી ગયા હતા. ત્યારે કોંગ્રેસ સતાથી 8-10 સીટ દૂર હતી છતાં જનતાના આદેશને સવીકાર કર્યો હતો. જ્યારે ભાજપે પોતાના ઓછા ધારાસભ્ય હોવા છતાં રાજયસભાની ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર ઉતારી ધારાસભ્યની ખરીદીઓ કરી જનાદેશનું અપમાન કર્યું છે. કોરોના કાળમાં વિદેશી નેતાનું પ્રચાર કરવા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ રાખી ભાજપે કોરોના ફેલાવવાનું કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. ભાજપના આંતરિક ખટરાખ પર તંજ કસતા જણાવ્યું કે પાટીલ ભાઉ કહે છે બીજાપક્ષના કોઈ ધારાસભ્ય નહીં લઉ, વિજયભાઇ કહે છે જેટલા આવશે એટલા લઇશ. આ બંને વચ્ચે નિતીન કાકા ફસાણા છે. વધુમાં જણાવ્યું કે કામ કરવા માટે દમ ખપે, ભાજપમાં જાવાની જરૂર નથી. કોંગ્રેસમાં ચાર ટર્મથી તો કોઈક છ-સાત ટર્મથી ધારાસભ્ય ચૂંટાય છે. આમાથી કોઈએ એવું નથી કીધું કે વિસ્તારના કામ માટે હૂં ભાજપમાં જોડાઉં છું અને આ તમામ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં સંઘર્ષ કરી કામો કરાવી રહ્યા છે. ત્યારે અબડાસાના ધારાસભ્યની આ વાતમાં દમ નથી. પોતાના સ્વાભીમાન માટે અબડાસાની પ્રજાને કોંગ્રેસને મત આપી જીતાડવા જણાવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ રાજ્યસભાની એક સીટ માટે કોંગ્રેસના ધારાસભ્ય ખરીદવાના કારણે કોરોના કાળમાં ભાજપના પાપે આ આઠ પેટા ચૂંટણી આવી હોવાનું જણાવ્યું હતું. ગાંધી અને સરદારની ભૂમી ગુજરાતે આવા ગદારોનો 2017 અને 19 માં પણ અસ્વિકાર કરી પાઠ ભણાવ્યો છે. આઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ગુજરાતની પ્રજા કોંગ્રેસના બટનને જોરથી દબાવી આઠેય સીટ પર કોંગ્રેસને જીતાડી તેનો ઝટકો ગાંધીનગરથી દિલ્હી સુધી પહોચાડવા આહવાન કર્યું હતું. ગુજરાતમાં 25 વર્ષ અને કેન્દ્રમાં 6 વર્ષથી બેઠેલી સરકારે ચૂંટણી ટાણે ખેડૂતોને પાકવીમા, સવારે પાણી, સસ્તી વીજળી, સસ્તા બીયારણોના જે વાયદા કર્યા તે એક પણ પુરો કર્યો નથી. હાલ થયેલ અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાકના થયેલ ધોવાણોનું વડતર પણ સરકારે ચૂકવ્યું નથી. નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને 2 કરોડ નોકરી અને વીજય રૂપાણીએ ગુજરાતની લાખોની સંખ્યામાં પડેલી ખાલી જગ્યા પર ભરતી કરી નોકરીઓ આપવા ગુજરાતના યુવાનોને વાયદા કર્યા હતા. ત્યારે થયું એમ કે ક્યાંક ભરતીમાં ફોર્મની ફી ઉઘરાવવા મામલે તો કયાંક પરિક્ષામાં પેપર ફૂટવા જેવા અનેક ભ્રષ્ટાચારો થયા પણ યુવાનોને નોકરીઓ મળી નહી. 350 ગેસની બોટલ હતી ત્યારે મોંઘવારીની વાતો કરતા લોકોએ સતામાં આવી 900 રૂપિયા ગેસની બોટલ આપે છે. ગુજરાતના યુવાનો, ખેડૂતો અને મોંઘવારીનો માર સહન કરતા તમામ લોકો આજે ભાજપને વચનોની યાદ અપાવી રહ્યા છે. ભાજપ નેતા અને અબડાસા પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની હત્યામાં સંડોવાયેલ જેન્તી ઠકકરને ચૂંટણી જીતવા જેલથી બહાર કાઢ્યા હોવાનું જણાવી, ભાજપ ભય ફેલાવી કાયદો વ્યવસ્થા પણ વિખેરી નાખી હોવાના આક્ષેપ પણ કર્યા હતા. ભાજપ સરકારની પોલીસ અને અધિકારીઓ પણ લોકોને મતો માટે ધાક ધમકી કરી રહ્યા હોવાનું ઉમેર્યું હતું. 2017 માં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અહેમદ પટેલને હરાવવા સોપારી લેનાર લોકો હવે ભાજપની બી ટીમ બની અપક્ષ માટે મતો માંગી રહ્યા હોવાનું જણાવી શંકરસિંહ વાઘેલા પર તેઓએ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ ઉમદવાર ડૉ. સેંઘાણી સેવાભાવી માણસ હોવાનું જણાવી, અબડાસાની જનતાને ખોબે ખોબા મત આપી વિજયી બનાવવા જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.