પ્રદ્યુમનસિંહ જાડેજા વેંચાયા હોવાના દાવા સાથે કોંગ્રેસે જાહેર કર્યું “ગદ્દાર રેટ કાર્ડ”
ભુજ : અબડાસા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રકો ભરાઇ ગયા છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ પ્રચાર પ્રસારે પણ જોર પકડયું છે. ઉમેદવારો વિવિઘ વિસ્તારમાં રૂબરૂ લોક સંપર્ક કરી રહ્યા છે. તો બીજી બાજૂ સોશ્યલ મીડિયામાં પણ પ્રચાર યુદ્ધ તેજ થયું છે.
એક તરફ ભાજપના ઉમેદવારો દ્વારા અબડાસાના વિકાસની વાતો થઇ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ હાલ આક્રમક મુડમાં હોય તે રીતે સોશ્યલ મીડિયામાં પ્રચાર કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાલ જે આઠ ધારાસભ્ય રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. અને તેમાંથી 5 હાલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ 8 ધારાસભ્યોના ફોટા સાથે કોંગ્રેસ દ્વારા તેઓ વેંચાયા હોવાના દાવા સાથે એક પોસ્ટર બનાવવામાં આવ્યું છે. આ પોસ્ટને “ગદ્દાર રેટ કાર્ડ” નામ આપવામાં આવ્યું છે. આ પૈકી કચ્છની અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાનો પણ પોસ્ટર છે. જેમાં પ્રદ્યુમનસિંહ જાડેજાને 2017માં કોંગ્રેસ માંથી લડ્યા ત્યારે 73312 વોટ મળ્યા હતા. ભાજપમાં જવા માટે તેઓએ 20 કરોડ લીધા હોવાનો પણ દાવો કરાયો છે. આ રીતે તેમને મળેલ પ્રજાના પ્રતિ વોટ કિમત 2728 રૂ લીધી હોવાનું કોંગ્રેસ દ્વારા બનાવેલ “ગદ્દાર રેટ કાર્ડ” માં દર્શાવ્યું છે.
અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રદ્યુમનસિંહ જાડાજા માટે કપરા ચઢાણો છે. કારણ કે તેઓ કોંગ્રેસ પક્ષના ચાલુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી, ભાજપમાં જોડાઇ હવે પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. જે હાલ તેમના વિરૂદ્ધ મોટામાં મોટો પડકાર છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આવા આક્રમક પ્રચારથી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની મુશ્કેલી વધી શકે છે.