“વિજય સંકલ્પ” સાથે અબડાસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્રક ભર્યું
નલીયા : અબડાસા વિધાનસભા બેઠક પેટા ચૂંટણી અનુક્રમે આજે નલિયા જંગલેશ્વર મેદાન ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સંમેલન યોજ્યા બાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શાંતીલાલ સંઘાણીએ ઉમેવારી પત્રક ભર્યું હતું.
નલીયામાં આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, ઇમરાન ખેડાવાલા પ્રભારી સી.જે. ચાવડા, બચુ આરેઠીયા, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ રાણાજી ઠાકોર, સાગર રાયકા, ખુલાબખાન રાયમા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તેમજ કોંગ્રેસ પક્ષના પ્રદેશ અને જિલ્લા-તાલુકા કક્ષાના અગ્રણીઓ અને જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની ઉપસ્થિતિમાં સૌ-પ્રથમ વીર અબડા આડભંગની પ્રતિમાને હારા રોપણ કરાયું હતું. ત્યાર બાદ જંગલેશ્વર મેદાન મધ્યે આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં અગ્રણીઓનું સન્માન કરી વિજય સંકલ્પ સંમેલન યોજાયો હતો. ત્યાર બાદ નાયબ કલેકટર કચેરીએ નામાંકન ભરવામાં આવ્યુ હતું.
આ મોકા પર ખાસ ઉપસ્થિત ધારાસભ્યો ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ તમામ સમાજોએ સાથે મળી આ ચૂંટણીમાં ભાજપને હરાવી ખરીદ-ફરોખ્તની રાજનીતિને તિલંજલી આપવા પર ભાર મુક્યો હતો. કોંગ્રેસ ઉમદવાર શાંતિલાલ સંઘાણી દ્વારા પક્ષ પલ્ટો કરાવી ભાજપ દ્વારા લોકશાહિને નુક્શાન પહોંચાડવામાં આવી રહ્યો છે. ભાજપની આ નીતિથી અબડાસાની પ્રજાને ખૂબ જ નુકશાન થઇ રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેમજ અહીં કંપનીઓમાં સ્થાનિક રોજગારી, નર્મદાના પાણીનો મુદો, શિક્ષણ અને આરોગ્ય જેવા પ્રજાહિતના મહત્વના મુદાઓ પર ભાર મુક્યો હતો. પોતે વ્યવસાયે તબીબ હોતા ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સેવા પર કામ કરવાની ઈચ્છા તેઓએ વ્યકત કરી હતી.
ઉપરાંત ઉપસ્થિત અન્ય કોંગ્રેસી આગેવાનોએ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રજા સાથ દ્રોહ કરી, પોતાના અંગત હિત ખાતર પક્ષ પલ્ટો કરી ગદ્દારી કરી હોવાના આક્ષેપ પણ કર્યા હતા. તેમજ પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રજાના કામો અને અબડાસાના વિકાસ કામોનું કારણ આગળ ધરી રાજીનામું આપ્યાની જે વાત હતી તે તદન ખોટી હોવાનું પણ કોંગ્રેસ અગ્રણીઓએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું. કારણ કે પ્રદ્યુમનસિંહ દ્વારા આ બાબતે ક્યાંય પણ મીટીંગ યોજી પ્રજાને પુછેલ નથી કે વિકાસ કામો માટે હૂં રાજીનામું આપું છું તો તમારૂં શું કહેવું છે ? જો આવું કર્યું હોય તો હજી માનવામાં આવે કે પ્રજાહિતમાં રાજીનામું આપ્યું છે.
આ તમામ મુદાને ધ્યાને લઇ કોમી એકતાની મીશાલ વીર અબડા અડભંગની પાવન ભૂમી અબડાસાની સાણી પ્રજા કોંગ્રેસના ઉમેદવાર તરફી જંગી મતદાન કરી ઐતિહાસીક જીત અપાવે તેવી ઉપસ્થિત આગેવાનોએ અપીલ કરી હતી.