“પક્ષ પલ્ટો કરી આવનારને પ્રજા માફ નથી કરતી” : પેટા ચૂંટણીના ભાજપના કો-ઓર્ડીનેટર શંકર ચૌધરીની ક્લીપ વાયરલ
ભુજ : ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનું પ્રચાર હવે અંતિમ ચરણમાં છે. આઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં સોશ્યલ મીડિયા પ્રચાર માટે મોટું માધ્યમ બન્યું છે. સોશ્યલ મીડિયા પર પક્ષ પલ્ટા મુદે નેતાઓના ભાષણના વિડીયો અને અનેક પોસ્ટરો પણ ખૂબજ વાયરલ થયાં છે. આવી વધુ એક વિડિયો ક્લીપ પૂર્વ મંત્રી શંકર ચૌધરીની વાયરલ થઇ છે.
શંકર ચૌધરી કે જેઓ રાજ્ય સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી હતા. હમણા ગુજરાતમાં ચાલી રહેલ આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની સંકલનની જવાબદારી ભાજપ પક્ષ દ્વારા તેમને આપવામાં આવી છે. તેઓની પક્ષ પલ્ટુઓને પ્રજા ક્યારેય સ્વીકારે નહી તેવું નિવેદન આપતી વિડીયો કલીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે. યુ ટ્યુબ પર આ આખો 9 મીનીટનો વિડીયો છે. જે લોક સભા ચૂંટણી દરમ્યાન એક ધાર્મિક કાર્યક્રમનો છે. જેમાં તેઓ બનાસકાંઠા ભાજપ ઉમેવારના જીતાડવાની અપીલ સાથે ભાષણ કરી રહ્યા છે. આ વિડીયોનો 28 સેકન્ડનો એક કટકો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ સ્વીકારી રહ્યા છે કે એક બાબતમાં બધા પક્ષો અને પ્રજા પણ સહમત છે, પક્ષ પલ્ટો કરીને કોઈ આવે તો એને પ્રજા માફ નથી કરતી. આ બાબત પ્રજા પણ ખુબ સજાગતાથી જુએ છે.
ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ આઠ ધારાસભ્યો રાજીનામું આપી કોંગ્રેસ માંથી પક્ષ પલ્ટો કરી ભાજપમાં જવાના કારણે આવી છે. આ આઠ માથી ભાજપે પાંચ જણાને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે. આ તમામ બેઠકની સંકલનની જવાબદારી ભાજપ દ્વારા શંકર ચૌધરીને અપાઇ છે. આવા સમયે ખૂદ શંકર ચૌધરીનો આ વીડીઓ વાયરલ થતા જન માનસ પર તેની શું અસર થશે ? તે તો સમય જ બતાવશે.
જુઓ વાયરલ વિડીયો ક્લીપ