મુન્દ્રામાં રાજકીય ભૂકંપ : જિલ્લા પંચાયત સદસ્ય સહિત 98 હોદેદારોના કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામા
મુન્દ્રા : તાલુકા કોંગ્રેસમાં આજે અચાનક ભૂકંપ સર્જાયો છે. હાલમાં ચાલુ જિલ્લા પંચાયત સદસ્ય, માજી તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા સમિતિના હોદેદારો સહિત 98 લોકોએ આજે પ્રદેશ અગ્રણીઓના કચ્છ પ્રવાસ વચ્ચે સામુહિક રાજીનામા ધરી દીધા છે.
આ મુદે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને સંબોધીને કરેલ રજૂઆતની તાલુકાના કોંગ્રેસ ઉપપ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. નવ નિયુક્ત મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખને લઇને આ રાજીનામા અપાયાનું ઉલ્લેખ કરાયું છે. આ રજૂઆતમાં નવનિયુક્ત તાલુકાના પ્રમુખ પર ભૂતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાના આક્ષેપો થયા છે. જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પણ આ સમગ્ર બાબતે જાણકારી હોવા છતાં પોતાના અંગત સ્વાર્થ ખાતર તાલુકા પ્રમુખ તરિકે ચંદુભા જાડેજાની નિમણૂંક કરાઇ હોવાના આક્ષેપ પણ કરાયા છે. મુન્દ્રા જિલ્લા પંચાયત સદસ્ય સલીમ જત માજી તાલુકા પંચાયત પ્રમુખ હાજરાબેન ગાધ અને કોંગ્રેસ જિલ્લા, તાલુકા સમિતિના હોદેદારો, યુથ કોંગ્રેસ હોદેદારો, માઇનોરીટી વિભાગના હોદેદારો તેમજ કોંગ્રેસ પ્રેરિત સરપંચો સહિત 98 જણાએ કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામા આપ્યા છે. જો કે અમુક હોદાદારોને આ બાબતે જાણ ન હોવા છતાંય નામ લખાયા તેમજ ગેર માર્ગે દોરાયા હોવાનું પણ જાણવા મળેલ છે.
આજે ગુજરાત પ્રદેશ અગ્રણી દશાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ખેડુતોના પ્રશ્ને કચ્છમાં મુલાકાતે છે. પ્રદેશ અગ્રણીની કચ્છ મુલાકાત વચ્ચે મુન્દ્રા કોંગ્રેસમાં જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓના પડેલ સામુહિક રાજીનામાના કારણે રાજકીય પારો ઉંચકાયો છે.