કચ્છમાં પવનચક્કી કંપનીઓ દ્વારા થઇ રહેલ ગૌચરમાં દબાણ, વૃક્ષોના નિકંદન અને વીજ લાઈનોથી રાષ્ટ્રીય પક્ષીના મૃત્યુ મુદે રજૂઆત

352

ભુજ : કચ્છ જિલ્લામાં પવનચક્કી કંપનીઓ દ્વારા ગૌચરમાં દબાણ , ખનીજ ચોરી , મંજુર થયેલ જગ્યાના બદલે અન્યત્ર પવન ચક્કી ઉભી કરવી , વૃક્ષોના બેફામ નિકંદન અને વીજ લાઈનોના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર ના મોત જેવા અનેક મુદે કોંગ્રેસ કિશાન સેલના જોઇન્ટ સેક્રેટરી એચ. એસ. આહિર દ્વારા કલેકટર કચ્છને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

શ્રી આહિરે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી કચ્છમાં પવન ચક્કી કંપનીઓ દ્વારા કચ્છની કુદરતી સંપતિ અને ગૌચર જમીનને મોટાપાયે નુકશાન કરવામાં આવી રહયું છે. પ્રિન્ટ અને ઈલેકટ્રીક મીડીયામાં સમયાંતરે આ બાબતે અહેવાલો આવતા રહે છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. પવનચક્કી ઉદ્યોગને સરકાર દ્વારા કેટલીક ખાસ સુવિધાઓ આપવાના કારણે , પવન ચક્કી વાળાઓ બેફામ બની ખાનગી તેમજ સરકારી અને ગૌચર જમીન પર દબાણ કરી રહયા છે. વળી ખુબજ મોટા પાયે ખનીજ ચોરી કરી સરકારને સીધી રીતે નુકશાન પહોંચાડી રહયા છે . આ બાબતે આધાર પુરાવા રજૂ કરી કાર્યવાહીની માંગ તેઓએ કરી છે.

જેમાં લખપતના જુણાચાયના સ.ને .૨૪,૭૧,૨૫૩ અને ૨૭૩ વાળી જમીનમાં આઈનોક્ષ વિન્ડ ઈન્ફાસ્ટ્રકચર સર્વિસીઝ લી. રાજકોટને ૨૦ વર્ષના ભાડા પટે પવન ચક્કી ઉભી કરવાના હેતુથી આપવામાં આવી છે. આ કંપનીને મંજુર થયેલ મોજે જુણાચાયના જુના સ.નં .૨૭૩ પૈકીના નવા સ.નં .૧૨૯ પૈકીના પોઈન્ટ નં .૬૮ તથા જુના સ.નં .૭૧ પૈકીના નવા સ.નં .૪૪૭ પૈકીની જમીનમાં પોઈન્ટ નં .૭૦ વાળી જમીનમાં પવન ચક્કી ઉભી કરવાના બદલે જુણાચાય ગામની સીમમાં અન્ય સરકારી પડતર જમીનમાં પવન ચક્કી ઉભી કરવામાં આવેલ છે . આ બાબતે મામલતદાર લખપત દ્વારા મનાઈ હુકમ આપવામાં આવેલ છે.

લખપતના જુણાચાયની સીમના સ.નં .૯૮ પૈકીની જમીનમાં અદાણી કંપનીને પવન ચક્કી પોઈન્ટ મંજુર થયેલ છે. અદાણી ગ્રીન એનર્જી વાળાએ સ.નં. ૯૮ માં પવન ચક્કી ઉભી કરવાને બદલે જુણાચાયના સ.નં .૧૩૬ પૈકીની જમીનમાં પવન ચક્કી ઉભી કરેલ છે . આ બાબતે મામલતદારશ્રી લખપત દ્વારા તા .૩૧ ઓગસ્ટે દિન –૧૦ માં અદાણીને પવન ચક્કી દુર કરવાનો હુકમ કરેલ છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી . લખપતના મેઘપર સીમના ગૌચરના સ.નં .૧૧૧ , ૧૧૨,૧૧૩,૧૦૪ , જુણાચાયના સ.નં .૨૦૮ , ૩૫૪ અને ૩૫૩ તેમજ અમીયાના સ.નં .૩૪ વાળી તમામ જમીન સરકારી રેકર્ડ મુજબ અને સ્થાનીકે ગૌચર બોલે છે. આ જમીન પર વિજ કંપનીઓ દ્વારા કોઈપણ જાતની પ્રક્રિયા કર્યા વિના વિજ પોલ ઉભા કરી વીજ લાઈન નાખવામાં આવી છે .

હરોરા સ.નં .૧૩૮ પૈકીની જમીનમાં મંજુર થયેલ પવન ચક્કી ખટીયાના સ.નં .૯૯ પૈકીની જમીનમાં ઉભી કરવામાં આવી છે. અદાણી ગ્રીન એનર્જી ધ્વારા મેઘપર અને મોટા વાકામાં મોટેપાયે ખનીજ ચોરી કરવામાં આવી હતી. આ બાબતે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના હુકમથી રૂા .૭૦,૭૯,૪૭ ર / -નો દંડ પણ કરવામાં આવ્યો હતો . આ દંડ તો માત્ર એકજ જગ્યાએ કરેલ ખનીજ ચોરી બાબતે કરવામાં આવ્યો છે. હકીકતમાં અદાણી અને અન્ય વિજ કંપનીઓ દ્વારા લખપત, અબડાસા અને નખત્રાણાના વિસ્તારમાં કરોડો રૂપીયાની ચોરી કરવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટ વિરૂધ્ધ પાવર ગ્રીડ કંપની વિરૂધ્ધના હુકમ માં કોર્ટે આદેશ કરેલ છે કે, ટાવર એ સંપતિનો એક ભાગ છે. કચ્છની અંદર આવેલ તમામ પવન ચક્કીઓ પણ સંપતિ છે. પરંતુ આ વિજ કંપનીઓ દ્વારા એક પણ ગામમાં પવન ચક્કીનો કોઈપણ જાતનો વેરો ભરવામાં આવતો નથી. જેથી કચ્છ જિલ્લામાં આવેલ તમામ પવન ચક્કીઓ પાસેથી વેરા વસુલાતની કાર્યવાહી કરવા બાબતે પંચાયતોને સુચના આપવામાં આવે.

લખપત , અબડાસા અને નખત્રાણા વિસ્તારમાં આવેલ પવન ચક્કીઓ દ્વારા આ વિસ્તારના ગ્રામ્ય રસ્તાઓને ખુબજ મોટાપાયે નુકશાન કરવામાં આવેલ છે. જે બાબતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે તે કંપનીઓને માત્ર નોટીશ આપી સંતોષ વ્યકિત કરવામાં આવેલ છે. આ બાબતે તમામ કંપનીઓ પાસેથી રસ્તાના નુકશાન બાબતે દંડ વસુલવામાં આવે. મોજે જુણાચાયના સ.નં .૩૪ વાળી જમીનમાં કલેકટર કક્ષાએથી ટોચમર્યાદા બાબતે મનાઈ હુકમ હોવા છતાં અદાણી ગ્રની એનર્જી દ્વારા પવન ચક્કીનો ફાઉન્ડેશન ઉભો કરી દેવામાં આવેલ છે.

હરોડાના સ.નં .૧૩૮ / ૧ માં આઈનોક્ષ ઈન્ફાસ્ટ્રકચર સર્વીસ લી.ને મંજુર થયેલ પવન ચક્કી પોઈટ નં .૭૧ માં નાયબ કલેકટર નખત્રાણા દ્વારા તા .૨૭ જુલાઈના ચેકડેમમાં પવન ચક્કી ઉભી કરવાના અનુસંધાને મનાઈ હુકમ આપવામાં આવેલ છે. જેથી તાત્કાલીક અસરથી ચેકડેમમાં ઉભી કરવામાં આવેલ પવન ચક્કીને દૂર કરવામાં આવે.

વિશેષમાં જણાવ્યું કે , આ પવન ચક્કીઓ દ્વારા વિજ લાઈન ઈસ્યુલેટેડ ન કરવાના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મોટી સંખ્યામાં મોત થાય છે. પવન ચક્કીને જમીન મંજુર કરવામાં આવતા હુકમમાં સ્પષ્ટ જોગવાઈ છે કે , તમામ વિજ લાઈન ઈસ્યુલેટેડ કરવાની હોય છે . પરંતુ કોઈપણ કંપની દ્વારા વિજ લાઈન ઈસ્યુલેટેડ કરવામાં આવતી નથી . માટે સમગ્ર જિલ્લામાં પવન ચક્કીની વીજ લાઈનો ઈસ્યુલેટેટ કરાવી બર્ડગાર્ડ અને બર્ડ ફીડર લગાડવા જરૂરી છે.

આ તમામ બાબતોની ખાસ તપાસ કરી તાત્કાલીક અસરથી યોગ્ય કાર્યવાહી કરી અને જવાબદારો વિરૂદ્ધ કડક કાર્યવાહિ કરવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.