ગાંધીધામ નગરપાલિકા દ્વારા લગાડવામાં આવેલ સાઇન બોર્ડ અને ગેન્ટ્રી બોર્ડના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર ?
ગાંધીધામ : શહેરની નગરપાલિકા દ્વારા ટેન્ડરીંગ કરી અને વિવિધ વિસ્તારોમાં સાઇન બોર્ડ તથા ગેન્ટ્રી બોર્ડ લગાડવામાં આવ્યા છે. આ બોર્ડો ના ભાવમાં વિસંગતતા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી ગાંધીધામ શહેર પ્રમુખ સમીર દૂદાણી દ્વારા કરવામાં આવ્યો છે.
ચિફ ઓફિસરને આવેદનપત્ર આપી આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. તેઓ દ્વારા જણાવાયું છે કે શહેરમાં લગાડેલા લગભગ 24 જેટલા સાઇન બોર્ડ અને ગેન્ટ્રી બોર્ડના ટેન્ડરના ભાવમાં વિસંગતતા જોવા મળે છે. સમાન સ્થળો પર લગાડેલા બોર્ડના ભાવમાં ફેરફાર છે. રેડક્રોસની જગ્યાએ લગાડવાનો ગેન્ટ્રી બોર્ડ અન્ય જગ્યાએ લગાડવામાં આવ્યો છે જેનો ટેન્ડરમાં કોઈ ઉલ્લેખ નથી. 24 બોર્ડની તફાવતની કિમત ગણી ઉંચી થાય છે, આ તમામ તફાવતની રકમથી ગાંધીધામ નગરપાલિકાની તીજોરીને નુક્શાન થાય છે. સાઇન બોર્ડનો ટેન્ડર 1વર્ષ માટે છે, જ્યારે ગેન્ટ્રી બોર્ડનો ટેન્ડર 10 વર્ષ માટે આપી દેવાયો છે. તેમાં 5 વર્ષ બાદ 5% ભાવ વધારવાની શરત મુકવામાં આવી છે. વડી ગેન્ટ્રી બોર્ડમાં ઉપયોગમાં લેવાતી લાઇટોનુ આ ટેન્ડરમાં ઉલ્લેખ સુધાં નથી. આ પ્રકારે વિસંગતતા ધરાવતું તેમજ એક જ સાથે લાંબી મુદત માટે આપી દેવામાં આવે જે શંકાસ્પદ છે.
આ મુદે તપાસ કરી આગામી કારોબારી બોર્ડ સભા અને જનરલ બોર્ડ સભામાં ઠરાવ કરી આ ટેન્ડરને રદ કરવા આમ આદમી પાર્ટી ગાંધીધામ દ્વારા માંગ કરાઈ છે. જો યોગ્ય નહીં થાય તો આ મદે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે તેવું જણાવાયું છે. આ રજૂઆતમાં પૂર્વ કચ્છ જિલ્લા આપના પ્રમુખ રોશનઅલી સાંધાણી, જિલ્લા પ્રભારી કે.કે. અન્સારી, શહેર પ્રમુખ સમીર દૂદાણી, જિલ્લા સંગઠન મંત્રી ભરત મારૂ હાજર રહ્યા હતા.