મુન્દ્રામાં ધારાસભ્યની હાજરીમાં તળાવ વધાવવાના કાર્યક્રમમાં યુવક ડૂબવાની ઘટના બનતા રાજકીય ગરમાવટ
મુન્દ્રા : સમગ્ર કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી સારો વરસાદ થઇ રહ્યો છે. જેમાં ખાસ કરી માંડવી-મુન્દ્રા પંથકમાં ખૂબજ સારો વરસાદ થયો છે. જેના કારણે અનેક ડેમો તથા તળાવો છલકાઇ ગયા છે.
આજે મુન્દ્રાના જેરામસર તળાવ છલકાઇ જતા તેને વધાવવાનો પરંપરાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતી હતી. તળાવ વધાવવાની પરંપરા મુજબ પૂજન નારીયેળ તળાવમાં ફેંકવામાં આવે છે અને તેને શોધવા તરવૈયાઓ પાણીમાં કુદે છે. આ પરંપરા પ્રમાણે જ આજે જેરામસર તળાવને વધાવી તળાવમાં નાખેલ પૂજન નારીયેળને શોધવા ત્રણેક યુવાનો પાણીમાં ગયા હતા. જેમાંનો એક યુવાન પાણીમાં ગરકાવ થઇ જતા તેનો હાલ શોધખોળ ચાલુ છે.
જોકે ધારાસભ્યની હાજરીમાં બનેલ આ બનાવને લઇ કોંગ્રેસના રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પશ્ન ઉપાડ્યો છે. શકિતસિંહે ટવીટ કરી જણાવ્યું કે કોઈ પણ સાવચેતી રાખ્યા વગર BJP ના પદાધિકારીઓ અને સરકારના અધિકારીઓની હાજરીમાં મુન્દ્રામાં તળાવમાંથી વસ્તુ કાઢવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં એક યુવકના ડુબવાના સમાચાર છે. જે બાબતે મુખ્યમંત્રી વીજય રૂપાણી તાત્કાલીક NDRF મોકલી તપાસ કરાવે એવી ટવીટ દ્વારા માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે શક્તિસિંહ ગોહિલ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં વિરેન્દ્રસિંહ જાડેજા વિરૂદ્ધ કોંગ્રેસના ઉમેદવાર તરિકે લડ્યા હતા. ત્યારે આજે માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં યુવાન ડૂબવાની દૂખદ ઘટના મુદે તપાસની માંગ કરતા કચ્છમાં રાજકીય ગરમાવટ સર્જાઇ છે.