અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના નિરીક્ષકોની કચ્છમાં હાજરી વચ્ચે દાવેદારોમાં આંતરિક ખટરાગ હોવાની ચર્ચા
ભુજ : ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલા 8 ધારાસભ્યો કોંગ્રેસ માંથી ભાજપમાં જતાં આ બેઠકો ખાલી પડી છે. આ 8 વિધાનસભા બેઠકો પર ટુંક સમયમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. આ 8 પૈકી એક કચ્છની અબડાસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપી ભાજપમાં જોડાતા અબડાસામાં પણ પેટા ચૂંટણી યોજાનાર છે.
હાલમાં કોરોના કહેર વચ્ચે અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બંને પક્ષો બેઠકને અંકે કરવા દાવપેચ લડાવી રહ્યા છે. મંગવાણા હાઇસ્કૂલના ભૂમીપૂજનમાં પૂર્વ ધારાસભ્યની હાજરીના કારણે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. જો કે આ દરમ્યાન ટકીટ ફાળવણી મુદે કોંગ્રેસના દાવેદારો વચ્ચે ખટરાગના કારણે આજે નિરીક્ષકોને ગાંધીનગરથી અહિં દોડીને આવવું પડયું હોવાની વાત રાજકીય સૂત્રોમાં ચર્ચાઇ રહી છે. કોંગ્રેસના નિરીક્ષકો સી.જે. ચાવડા, જયરાજસિંહ પરમાર સહિતનાઓ એ આજે કચ્છમાં ધામાં નાખ્યા છે. જો આ વાત સાચી હોય તો 2007 ના રીઝલ્ટનું પૂનરાવર્તન થાય તેવું રાજકીય આલમમાં ચર્ચાઇ રહ્યુ છે. કારણ કે 2007 માં આંતરિક ખટરાગના કારણે જ કોંગ્રેસે આ બેઠક પર હારનો સામનો કર્યો હોવાનું જાણકરો પાસેથી જાણવા મળ્યું છે. જો કોંગ્રેસમાં દાવેદારો વચ્ચે આંતર કહલ છે તો તેને ડેમેજ કંટ્રોલ કરવું કોંગ્રેસ પક્ષ માટે જરૂરી બન્યું છે. અન્યથા પક્ષને નુકશાન ભોગવવું પડશે તેવું રાજકીય પંડીતો કયાસ લગાવી રહ્યા છે.
વિધાનસભા બેઠકના દાવેદારો વચ્ચે ખટરાગ બાબતે હકીકત જાણવા વોઇસ ઓફ કચ્છ ન્યુઝ દ્વારા કોંગ્રેસ જિલ્લા પ્રમુખનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા તેઓએ ફોન રીસીવ ન કરતા તેઓનું પક્ષ જાણી શકાયું નથી. આ વખતે ભાજપના નિરક્ષકો કચ્છ મુલાકાત દરમ્યાન સ્પષ્ટ જણાવી ગયા છે કે ભાજપની પહેલી પસંદ પ્રદ્યુમનસિંહ જાડેજા છે.