સુખપર ગામના કૃષી મોલમાં પ્રતિબંધીત બિયારણનું વેંચાણ
ભુજ : તાલુકાના સુખપર ગામે આવેલ કૃષી મોલમાં પ્રતિબંધિત બીયારણ વેંચાતો હોવાનો આક્ષેપ ઊઠ્યો છે. પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલના જોઇન્ટ કો-ઓર્ડિનેટર એચ.એસ આહીર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
તેમના જણાવ્યા મુજબ ખેડૂતો પાસેથી આ બાબતે માહિતી મળી હતી. જેની ખરાઇ કરવા ગોરસીયા કૃષી એન્ડ હેલ્થ સેન્ટર સુખપર કૃષીમોલ જઇ અને કપાસના બીયારણની માંગણી કરતા, કલપતરૂ-વીડ-એસએસ-7 હાઇબ્રીડ કપાસ બીજનો એક પેકેટ આપ્યો હતો. આ બિયારણ સંપૂર્ણ પણે પ્રતિબંધીત છે. આધાર પૂરાવા એકઠા કરવા આ બીયારણનો પેકેટ 750 રૂપીયા આપી ખરીદી લીધો અને કેશ મેમો બનાવી લીધો હતો. આ કેશ મેમો અને બીયારણના પેકેટ સહિતના પૂરાવાના ફોટોગ્રાફ સાથે એચ. એસ. આહિર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
માનકુવા પોલીસ ઇન્સ્પેકટરને સંબોધીને કરેલ ફરિયાદમાં આ કૃષી મોલના સંચાલકો, માલીકો તેમજ પ્રતિબંધીત બિયારણનું વેંચાણ કરનાર કંપનીના જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ ફોજદારી દાખલ કરવા માંગ કરી છે. વધુમાં સમગ્ર કચ્છમાં પ્રતિબંધીત બિયારણનું ખૂલ્લેઆમ વેંચાણ થઇ રહ્યો છે જે બાબતે તંત્રએ કાર્યવાહી કરવી જોઇએ તેવું એચ. એસ. આહિરે જણાવાયું હતું.