કચ્છ જિલ્લાના માધાપર ખાતે જૈન અને દરજી સમાજ સાથે મુખ્યમંત્રીનો લાઇવ વિડીયો સંવાદ
ભુજ : આજરોજ માધાપર ‘‘તેરા તુજકો અર્પણ ગૌ સેવા અભિયાન’’ ખાતે માધાપરના વિનામૂલ્યે માસ્ક બનાવતા જૈન અને દરજી સમાજ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ કરી તેમને બિરદાવીને ધન્યવાદ આપ્યા હતા.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા અને સાવચેતીના પગલારૂપે સમગ્ર દેશમાં ત્રીજુ લોકડાઉન ચાલી રહયું છે. ત્યારે કેન્દ્ર અને રાજય સરકારની એપેડમીક કોવીડ-૧૯ની ગાઈડલાઇન પ્રમાણે સાવચેતીના ભાગરૂપે લોકોએ માસ્ક પહેરવો અનિવાર્ય છે. ત્યારે કચ્છ જિલ્લાના ભુજના માધાપર ગામનો જૈન અને દરજી સમાજ છેલ્લા ૪૦ દિવસથી વિનામૂલ્યે માસ્ક બનાવવાની રાષ્ટ્રસેવા કરી રહયા છે. તેરા તુજકો અર્પણ અભિયાન જૈન સમાજ અને માધાપર દરજી સમાજ બંનેએ ૧ લાખ માસ્ક તૈયાર કર્યા છે. જેમાંથી ૮૦ હજાર જેટલા માસ્કનું વિવિધ સ્થળે અને લોકોમાં વિનામૂલ્યે વિતરણ કર્યુ છે.
દુષ્કાળ હોય કે કોરોના હોય કચ્છ પર આફત આવે ત્યારે કચ્છવાસીઓ પ્રત્યે આગવો લગાવ રાખનારા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હંમેશા પોતાની સંવેદનાથી લોકોની લાગણીઓ અને કામગીરીને બિરદાવી ધન્યવાદ આપ્યા છે. આજે પણ મુખ્યમંત્રીએ જીવંત વિડીયો સંવાદમાં સમસ્ત જૈન સમાજ માધાપરના આ અભિયાનને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસમાં લોકોને સુરક્ષિત કરવા જે અભિયાન ઉપાડયું છે તેને હું બિરદાવું છું. જે લોકો આ કરે છે તે પુણ્યનું કામ કરે છે. સારા કામ કરાવવા ભગવાન પુણ્યશાળી આત્માઓને સોપે છે તે કામ માટે તમને બધાને પસંદ કર્યા છે.
કચ્છમાં કેસ વધે નહીં અને કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે સૌ સામાજિક અંતરનું પાલન કરો તેવું નિવેદન કરી મુખ્યમંત્રીએ દરજી સમાજના બધા ભાઇઓનો ખુબ આભાર માન્યો હતો તેમજ બાળકથી લઇ ગરીબ સુધી આ માસ્ક પહોંચે તેમ નીતિનભાઇ દરજીને સંવાદમાં અપીલ કરી હતી.
જયારે માસ્કનું રોમટીરીયલ આપનાર તેરા તુજકો અર્પણ અભિયાનના અગ્રણી હિતેશ ખંડોરે મુખ્યમંત્રીને વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર, દાતાઓ અને સંસ્થા દ્વારા કરાતી પ્રવૃતિઓમાં સૌનો સહકાર મળે છે અને આપે દરજી સમાજની સમાજસેવાની નોંધ લીધી તે માટે આભાર માનુ છું. તેમણે જણાવ્યું હતું કે, માસ્કનું રોમટીરીયલ આપીને માધાપરના ૬૦ જેટલા ભાઇ-બહેનોએ વિનામૂલ્યે ૧ લાખ માસ્ક તૈયાર કર્યા છે જેમાંથી કચ્છના વિવિધ સ્થળો અને લોકોમાં ૮૦ હજાર જેટલા માસ્કનું વિનામૂલ્યે માસ્ક વિતરણ કાર્યએ સમગ્ર ગુજરાતના લોકો માટે પ્રેરણાદાયી બની રહેશે એમ મુખ્યમંત્રીએ ધન્યવાદ આપતા જણાવ્યું હતું.
આ સંવાદ કાર્યક્રમમાં અગ્રણી દિલીપ ત્રિવેદી, હિતેશ ખંડોર, તેમજ તેરા તુજકો અર્પણના સંસ્થા સ્વયંસેવકો અને માધાપરના દરજીકામ કરતા સ્વયંસેવકો હાજર રહયા હતા.
(માહિતી ખાતાના ઇનપુટ સાથે)