મીડિયાની ઓફીસ બંધ કરાવનાર પોલીસ ભાજપ નેતાઓ અને રાજયમંત્રી વિરૂદ્ધ કાર્યવાહી કરશે ?
ભુજ : લોક ડાઉન દરમ્યાન પોલીસ ખડેપગ રહી સેવા આપી રહી છે તે બાબતમાં બે મત નથી, પણ ક્યાંક લોકોને પોલીસના વ્યવહારથી અતિ કડવા અનુભવો પણ થાય છે. મંગળવારના રોજ “વોઇસ ઓફ કચ્છ” ન્યુઝ પોર્ટલની માધાપર જુનાવાસ સ્થિત ઓફીસે પોલીસ પ્રાઇવેટ ગાડીમાં ત્યાંના સ્થાનિક સીવીલીયન સાથે આવી અને ધોકા પછાળી રોફથી ઓફીસ બંધ કરવા જણાવેલ. તંત્રી દ્વારા જણાવાયું કે ઓફીસ ન્યુઝની છે, ત્યારે વધુ સૂરાતન બતાવી અને કહ્યું “મીડિયા હોય તો શું ? તને પણ જાહેરનામું લાગુ પડે છે એટલે બંધ કર” એવી તોછડાઈથી વાત કરતા, પોલીસ સાથે ઘર્ષણ ન થાય તે વાતને ધ્યાને રાખી ઓફીસ બંધ કરવામાં આવી હતી. આ બાબતે વોઇસ ઓફ કચ્છ ન્યુઝ પોર્ટલના તંત્રી મહમદસુલતાન કુંભાર દ્વારા ડી.જી. ગુજરાત, કલેક્ટર-કચ્છ તથા એસ.પી. પશ્ચિમ-કચ્છને રજૂઆત કરેલ છે.
ઉલ્લેખનીય છે કે કલેકટરના જાહેરનામા તેમજ ડી.જી.પી. ગુજરાત દ્વારા પણ પત્રકારોને ઓફિશિયલ તેમજ ફિલ્ડ વર્ક કરતા રોકવામાં ન આવે તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવેલ છે. તેમ છતાં પોલિસ દ્વારા મીડિયાની ઓફીસે આવી આ પ્રકારનું વર્તન કરવા પાછળ શું કારણ છે ? તે તપાસનો વિષય છે.
હવે વાત કરીએ ગઇ કાલે રાજયમંત્રી વાસણ આહિર તેમજ ભાજપના જિલ્લા મંત્રી હિતેશ ખંડોર સહિતના 19 લોકો મુખ્યમંત્રી રાહતનીધીમાં ફંડના ચેક જમા કરાવવા ગયા હતા. ત્યારબાદ કલેકટર ઓફીસ બહાર સોશ્યલ ડિસ્ટન્સીંગને પગ નીચે કચડીને, સરેઆમ જાહેરનામાનો ભંગ કરી ફોટો પડાવીને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આ લોકોને જાહેરનામું લાગુ નથી પડતું ? પોલિસ દ્વારા જાહેરનામા મુજબ ચારથી વધુ લોકો ભેગા થાય તો તેના વિરૂદ્ધ કાયદાકીય અને “ધોકાકીય” બંને કાર્યવાહિ કરવામાં આવે છે. જાહેરનામું ભંગ કરનાર આ નેતાઓ પર “ધોકાકીય” કાર્યવાહી તો પોલીસ નહીં જ કરી શકે તેની મને એક પત્રકાર તરીકે સમજણ છે. પણ મીડિયાની ઓફીસ બંધ કરાવી શકતી પોલીસ આ લોકો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે કે કેમ ? તે પણ હાલ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.