રમજાન માસમાં ઘરે રહીને તમામ ઇબાદતો કરવા મુફતીએ કચ્છની અપીલ
ભુજ : આગામિ 25 તારીખથી ઇસ્લામ ધર્મ માટે પવિત્ર એવો રમજાન માસ શરૂ થવા જઇ રહ્યો છે. આ માસમાં કચ્છના મુસ્લિમ સમાજ દ્વારા લોક ડાઉન અને કોરોનાની મહામારીને ધ્યાને લઇ તમામ ઇબાદતો ઘરે બેસીને કરવાની અપીલ મુફ્તીએ કચ્છ હાજી અહેમદશા બાવા તરફથી તેમના પૂત્ર હાજી અનવરશા સૈયદ દ્વારા કરવામાં આવી છે.
મુસ્લિમ સમાજ દ્વારા કચ્છની અનેક મસ્જીદોમાં રોજો રાખવા (શહેરી), તેમજ રોજો છોડવા (ઇફતાર) નું આયોજન કરાય છે. તેમજ રાત્રે તારાવીહની નમાઝ પણ મસ્જીદોમાં સમુહમાં પઢવામાં આવે છે. હાલ કોરોના મહામારીના કારણે સમગ્ર દેશ સહિત કચ્છમાં લોક ડાઉન હોવાના કારણે રમજાન માસમાં શહેરી, ઇફતાર, પાંચ ટાઇમ નમાઝ, તારાવીહની નમાઝ, જુમ્માની નમાઝ, કુરાનનો પઠન વગેરે ઇબાદતો ઘરે રહીને જ કરવા અપીલ કરવામાં આવી છે.
તેમજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાએ તંત્ર તરફથી મડેલ છુટ-છાટ મુજબ મસ્જિદમાં લાઉડ સ્પીકરમાં અઝાન સાથે 3 લોકો કે જેને પાસ આપવામાં આવ્યા છે તે નમાઝ પડી શકે છે. તેમજ શુક્રવારની નમાઝમાં ચાર જણા મસ્જિદમાં નમાઝ પડી શકે છે. આ બાબતની નોંધ તમામ મસ્જીદોના મુતવલી તેમજ વિસ્તારના અગ્રણીઓએ લઇ, અને કોવીડ-19 ની લડતમાં તંત્રને પુરે પુરો સહકાર આપીએ તેવું અખબારી યાદીમાં જણાવ્યું છે.