એન્ડ્રોઇડ ફોન એજયુકેશનથી કચ્છની ૧૭૦૦ પ્રાથમિક શાળાના બાળકો મેળવે છે ઓનલાઇન શિક્ષણ

255

ભુજ : વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ કોરોના વાયરસના ફેલાવાથી સલામતી અને સાવચેતીના પગલારૂપે કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉન દરમ્યાન કેન્દ્ર અને રાજય સરકારને શાળાકીય શૈક્ષણિક પ્રવૃતિઓ પર પણ પ્રતિબંધ લગાવવાની ફરજ પડી છે.

સામાજિક અંતર અને સાવચેતીના ભાગરૂપે બાળકોને શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, ટયુશન સંકુલ પર નહીં જવા જણાવ્યું છે. શિક્ષણનીતિ અન્વયે આ કપરી સ્થિતિમાં બાળકોનું ભવિષ્ય અને શિક્ષણ ના બગડે તે માટે રાજય સરકાર સતત ચિંતા સેવી રહી છે. જે બાળકોના માતાપિતા અને વાલીઓ પાસે ઓનલાઇન ભણાવવાનું માધ્યમ એન્ડ્રોઇડ ફોનની સગવડ છે તેવા પ્રાથમિક શાળાઓના બાળકો ઘેર બેઠાં ઓનલાઇન એજયુકેશન મેળવી રહયા છે.

રાજય સરકારના શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષણ અભિયાન તથા જીસીઆરટી (ગુજરાત કાઉન્સિલ ઓફ એજયુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ) ગાંધીનગર દ્વારા તૈયાર કરાએલા પ્રવૃતિલક્ષી શૈક્ષણિક સાહિત્યથી સમગ્ર રાજયના બાળકો ઘેર બેઠાં શિક્ષણ મેળવી રહયા છે. જે પૈકી કચ્છ જિલ્લાની ૧૭૦૦ જેટલી સરકારી શાળાઓના અંદાજે દોઢ લાખ બાળકો પૈકી જે બાળકોના માતાપિતા અને વાલીઓ પાસે એન્ડ્રોઇડની સગવડ છે તેવા વાલીઓને આ સાહિત્ય પહોંચાડી લોકડાઉનમાં પણ ઓનલાઇન પ્રાથમિક શિક્ષણ અપાઇ રહયું છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર જણાવે છે કે, બીઆરસી/સીઆરસી કોર્ડિનેટર મારફતે જીસીઇઆરટી અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તૈયાર થયેલા સાહિત્ય, ‘‘સ્ટડી ફોમ હોમ અને પરિવારનો માળો સલામત હુંફાળો’’ નામથી જિલ્લાની તમામ શાળાના બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી રહયા છે. ઓનલાઇન શિક્ષણના નવતર પ્રયોગથી બાળકો પણ ઉત્સાહિત જોવા મળે છે તેમજ તેના સારા પરિણામો પણ મળી રહયા છે. આજની ઈન્ટરનેટ અને મોબાઇલીયા જનરેશન માટે સરકારનો આ ઓનલાઇન એજયુકેશનનો નવતર પ્રયોગ સફળ થઇ રહયો છે. બાળકો પણ આનંદ સાથે એજયુકેશન મેળવી રહયા છે.

કચ્છના ખડીર વિસ્તારના જનાણના શિક્ષક ઘનશ્યામભાઇ બ્રાહમણ તથા ભુજના હિતેન ધોળકીયા, પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી અશોક પરમાર તથા તાલુકા પ્રાથમિક શિક્ષક ઓફિસર, બીઆરસી, સી.આર.સી શિક્ષકો તમામ આ ઓનલાઇન માધ્યમથી શિક્ષણના પ્રયોગમાં દિલથી જોડાઇને શિક્ષણના ભગીરથ કાર્યમાં સહકાર આપી રહયા છે.

Get real time updates directly on you device, subscribe now.