પવિત્ર રમઝાન માસમાં કોરોનાનો નાશ થાય એવી માં આશાપુરા પાસે પ્રાર્થના : મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા
ભુજ : કોરોના મહામારી વચ્ચે કચ્છ મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા દ્વારા લોકડાઉનની અમલવારી કરવા પ્રજાને અપીલ કરી છે. કુંવરશ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા મહારાવશ્રી વતી પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે.
જેમાં વૈશ્વીક મહામારીને લઇને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ લોક ડાઉનનો મહારાવશ્રીએ સમર્થન કર્યું છે. આ નિર્ણય લેવા બદલ વડાપ્રધાનને અભિનંદન પણ પાઠવ્યા છે. આ લોક ડાઉન દરમ્યાન ફરજ બજાવતા પોલીસ જવાનો, મેડીકલ સેવા પુરી પાડતા લોકો, સફાઇ કર્મચારી, વિજ કંપનીના કર્મચારીઓ અને મીડિયા કર્મીઓની કામગીરીને પણ બીરદાવી છે, તેમજ આ લોકોની તંદુરસ્તી માટે માં આશાપુરાને પ્રાર્થના કરી છે. સમગ્ર કચ્છી પ્રજા લોક ડાઉનના નિયમોનો પાલન કરી, સરકારને સહકાર આપી આપણે સૌ ઘરે રહીએ, અને સુરક્ષીત રહીએ તેવી અપીલ પણ મહારાવશ્રીએ કચ્છી પ્રજાને કરી હતી.
વધુમાં જણાવ્યું કે તેઓ ખૂબજ નશીબદાર છે કે તેમને મહારાણી સાહેબા જેવા પત્ની મળ્યા અને ખૂબજ સારા વયક્તિઓ તેમની સાર સંભાળ રાખે છે. આજે એટલે કે 24 એપ્રિલના મહારાણી ઓફ કચ્છ પ્રિતી દેવી સાહેબાનો જન્મ દિવસ છે. આ જન્મ દિવસ પ્રધાનમંત્રી રાહત ફંડ તેમજ અન્ય સેવાકીય સંસ્થાઓને યોગદાન આપી ઉજવવામાં આવશે. મહારાવશ્રી દ્વારા અનેક સંસ્થાઓને હંમેશ યોગદાન અપાતો રહ્યો છે. તેઓ અનેક દીકરા-દીકરીઓના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી, દિકરા-દિકરીઓને ભણાવવાનો લક્ષ્ય રાખ્યો છે.
વિશેષમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતા, તેઓ આ પવિત્ર રમજાન માસમાં આ બિમારીનો નાશ થાય અને સર્વે કચ્છી પ્રજા સુખ શાંતિ અને ભાઇચારાથી રહે તેવી માં આશાપુરાને મહારાવશ્રીએ પ્રાર્થના કરી હતી. મહારાવશ્રીએ માં આશાપુરાના સેવક છે. તેઓ હંમેશા કચ્છની પ્રજાના સુખમાં સુખી અને દૂખમાં દૂખી રહે છે. મહારાવશ્રી અને મહારાણી સાહેબાની કચ્છી પ્રજા કાયમ સુખી રહે એવી હંમેશા પ્રાર્થના હોય છે. તેવું કુંવરશ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું છે.