માધાપર કોવીડ-19 કન્ટેઇન્મેન્ટ એરીયા માટે કલેકટરનુ જાહેરનામું
ભુજ : ગઇ કાલે માધાપર ગામ માંથી કોરોના વાયરસ પોઝિટીવનો એક કીસ્સો બહાર આવતા તંત્રમાં દોડધામ મચી હતી. ગઇ કાલથી જ પોલીસ દ્વારા સમગ્ર ગામના એન્ટ્રી પોઈન્ટ અને એકઝીટ પોઇન્ટ બંધ કરી ગામને કોર્ડન કરવામાં આવ્યું છે. જો કે આજે સમગ્ર દિવસ દરમ્યાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વેંચાણ બંધ રહેતા લોકોમાં અસમંજસ ફેલાઇ હતી. સમગ્ર દિવસ લોકોને એક જ પ્રશ્ન હતો કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી હવે કેવી રીતે કરવી. જો કે કલેકટરે આ બાબતે સ્પેસિફિક માધાપરના કિસ્સામાં જાહેરનામું બહાર પાડતા તમામ બાબતોની સ્પષ્ટતા થઇ ગયેલ છે.
આ જાહેરનામા મુજબ જયાંથી પોઝિટીવ કેસ મળેલ તે ક્રિષ્ના પાર્ક સોસાયટી, માધાપર સર્વે નં. 357 પૈકીનો વિસ્તાર, યક્ષ મંદિર તેમજ અક્ષર ઢોસાના આસપાસનો વિસ્તાર આ તમામ એરીયા કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં તમામ અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ વિસ્તારના લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની તંત્ર દ્વારા હોમ ડીલીવરી કરી આપવામાં આવશે.
આ વિસ્તારના ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતો વિસ્તાર જેની ચતુર્દીશા નકકી કરવામાં આવી છે. જેમાં ઉત્તરમાં સુરલભીટ્ટ ચાર રસ્તા સુધી, દક્ષીણમાં સર્વેશ્વર મહાદેવ અને આસપાસનો વાડી વિસ્તાર, પૂર્વમાં માધાપર અંજાર રોડ પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી વિસ્તાર, પશ્ચિમમાં પી.જી.વી.સી.એલ. કચેરી ભુજ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. આ ત્રણ કિલોમીટરની ત્રિજ્યા વાળા વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી તેમજ વેંચાણ માટે સવારે 9:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં લોકોએ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરવાની રહેશે જેમાં સોશીયલ ડિસ્ટન્સીંગનો સંપૂર્ણ અમલ કરવો પડશે.
આ સમયગાળામાં ટુ- વ્હીલર પર એક અને ફોર વ્હીલરમાં ત્રણ થી વધુ લોકો પ્રવાસ કરી શકશે નહી. આ ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ભુજ શહેરના વિસ્તારોને પણ જાહેરનામા મુજબ અમલ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે.