માધાપરના મહિલા પોઝિટીવ દર્દીના રીપોર્ટ સહિત 30 રીપોર્ટ નેગેટીવ
ભુજ : તાલુકાના માધાપર ગામે એક 62 વર્ષીય વૃદ્ધને ગત પાંચ માર્ચે કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ તે દર્દીના સીધા સંપર્કમાં આવેલા સબંધિઓના રીપોર્ટ કરાવતા, તેમનો પત્ની અને પુત્રવધૂનો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો.
જો કે એક સપ્તાહ બાદ જ આજે તેમના પત્નીનો રીપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગ તેમજ સારવાર આપી રહેલ ડોકટરો માટે ખૂબજ ખુશી અને રાહત ભર્યા સમાચાર છે. તેઓ કરોના માંથી મુકત થઇ રહ્યા છે તેવું કહી શકાય. ઉલ્લેખનીય છે કે લખપત તાલુકા આશાલડી ગામની મહિલાનો એક રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ફરી એક રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. માટે હવે માધાપરની આ મહિલાને પણ હજી સારવાર હેઠળ રાખવામાં આવશે. જો સતત રીપોર્ટ નેગેટીવ આવશે તો જ તેમને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવશે.
ગઇ કાલે આરોગ્ય વિભાગ દ્વારા મોકલેલા કોરોનાના 35 સેમ્પલ પૈકી માધાપરની આ મહિલા દર્દી સહિત 30 રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. 3 રીપોર્ટ પેન્ડિંગ છે અને 2 સેમ્પલ રીજેક્ટ થયા છે.