કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ 41 લોકો ક્વોરન્ટાઇન : માધાપર ગામને પોલિસે કોર્ડન કર્યું : પંચાયતની પણ ઘરમાં રહેવા અપીલ
ભુજ : તાલુકાના માધાપર ગામે 62 વર્ષીય વૃદ્ધનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝીટીવ આવતા આજે સાંજથી જ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. દર્દીના રહેણાક વિસ્તારની જિલ્લા વિકાસ અધિકારી, પશ્ચિમ કચ્છ પોલીસ વડા, જિલ્લા આરોગ્ય અધિકારી સાથે તાલુકા આરોગ્ય અધિકારી અને આરોગ્યની રેપીડ રિસ્પોન્સ ટીમે મુલાકાત લીધી હતી.
આ દર્દીના સંપર્કમાં આવેલા 41 જેટલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં તેમના પરિવારના 6 સદસ્યો, માધાપરના જનરલ પ્રેકિટશનર, ભુજના જાણીતા ફીઝીશીયન, તેમની હોસ્પિટલના મેડીકલ ઓફીસર તેમજ સ્ટાફ, રેડિયોલોજી સેન્ટરના તબીબ અને સટાફ, જી.કે. જનરલ હોસ્પિટલના 3 તબીબો તેમજ નર્સિંગ સટાફ વગેરેનો સમાવેશ થાય છે. આમ 6 તબીબો, દર્દીના પરિવારના સભ્યો સહિત 41 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
માધાપર ગામ પોલીસે કોર્ડન કર્યું
પોલીસ દ્વારા પણ સરકારની કોરોના ગઇડલાઇન મુજબ દર્દીના રહેણાકના 3 કિલોમીટર એરીયાને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. જેમાં પરવાનગી સિવાય કોઈ વયક્તિ પ્રવેશ કરી શકશે નહી. તેમજ 7 કિલોમીટર એરીયા બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં બિન જરૂરી અવરજવર બંધ કરવા સુચના આપવામાં આવી છે. આ રીતે પોલીસ દ્વારા ગામનો એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ સીલ કરી સમગ્ર એરીયાને કોર્ડન કરવામાં આવ્યું છે. આ બાબતે જાગૃતતા માટે પોલીસ દ્વારા સોશ્યલ મીડિયામાં ઓડીયો મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં માધાપર વાસીઓને ઘરમાં રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
નવાવાસ-જુનાવાસ ગ્રામ પંચાયત દ્વારા ઘરમાં રહેવા અપીલ
નવાવાસ-જુનાવાસ ગ્રામ પંચાયત દ્વારા લેટર લખી જણાવાયું છે કે નવાવાસ જુનાવાસ તેમજ વર્ધમાનનગર વિસતારના તમામ લોકોએ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અનાજ, રસકસ, શાકભાજી વગેરેનું વેંચાણ પણ હાલ બંધ રાખવું. દિવસ દરમ્યાન વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી વ્યવસ્થીત આયોજન કરી આ બાબતે જાણ કરવામાં આવશે. ત્યાર સુધી આ તમામ વેચાણ સદંતર બંધ રાખવાનું છે. ખેડુતોને પણ સૂચના ન મળે ત્યાં સુધી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. તેમજ ઘરે કામ કરવા આવતા કામદારો પાસે પણ કામ ન કરાવવા અપીલ કરાઈ છે. તમામ લોકો ઘરમાં રહે અને ઘરથી કોઈ બહાર ન નીકળે તેવી ખાસ અપીલ કરાઇ છે.