ભુજના કોરોના ગ્રસ્ત યુવાનનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ : 40 દિવસે કોરોના મુક્ત કચ્છ
ભુજ : જિલ્લામાં 21 માર્ચે પ્રથમ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા બાદ સમયાંતરે 6 જેટલા પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં માધાપરના સોની પરિવારના 62 વર્ષીય મૃતક સિવાય તમામ પાંચ દર્દી સાજા થઇ જતાં કચ્છ કોરોના મુક્ત બન્યું છે.
જિલ્લામાં પ્રથમ કેસ 21 માર્ચે લખપત તાલુકાના આશાલડી ગામની મહિલા રહીમાબેન જતનો નોંધાયો હતો. ત્યાર બાદ 5 એપ્રીલ માધાપરના સોની પરિવારના 62 વર્ષીય વૃદ્ધનો કેસ નોંધાયો હતો. 9 એપ્રીલે આ વૃદ્ધની પત્ની તથા પુત્રવધુનો પણ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ 19 એપ્રીલે ભુજ ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર મનોજ પટેલ તથા લખપત તાલુકાના કોટડા મઢના 62 વર્ષીય આબ્દ્રેમાન રાયમા એમ બે કેસ નોંધાયા હતા. આમ કચ્છમાં કુલ્લ 6 કેસ નોંધાયા હતા. ગઇ કાલે મોકલેલ 19 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમાં ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડરનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ સ્વસ્થ થયા છે. આમ માધાપરના એ વડીલને બાદ કરતા તમામ દર્દીઓ સાજા થઇ જતાં 40 દિવસ બાદ કચ્છ કોરોના મુકત જિલ્લો બન્યો છે. હવે કચ્છમાં એક પણ એકટીવ કેસ નથી.
આ 40 દિવસ સુધી કચ્છ કલેકટર તથા વહીવટી તંત્રની સમગ્ર ટીમે વહીવટી કુશળતાથી અનેક મહત્વના નિર્ણયો લઇ કચ્છને કોરોનાના ભરડા માંથી બહાર કાઢવા તેમજ ગરીબ લોકોને જરૂરી વસ્તુઓ પહોંચે તે માટે ખૂબજ મહેનત કરી હતી. તો કાયદો વ્યવસ્થા જાળવવા અને લોકડાઉનની અમલવારી કરાવવા સાથે સાથે ગરીબ પ્રજાને રાશનકીટો, સીનીયર સીટીઝનોને જરૂરી દવાઓ પહોંચાડી કચ્છ પોલીસ બે મોરચે યુદ્ધ લડી છે. તેમજ જી.કે. જનરલ હોસ્પિટલના ડોકટરો, કમ્પાઉન્ડર, નર્સો વગેરે સટાફે જીવની પરવા કર્યા વગર સતત ખડે પગે રહી જે સેવાઓ આપી તે કાબિલે દાદ છે. તેમજ કોરોનાને રોકવા લડતા તમામ લોકો, સંસ્થાઓને કચ્છની પ્રજા કયારેય ભુલી શકશે નહીં.