ખાવડા PSI બદલી કરાવવા માટે કરી રહ્યા છે નિર્દોષ ને પરેશાન : આદમ ચાકી

5,580

ભુજ : કરોના વાયરસના કારણે ગુજરાત તથા સમગ્ર કચ્છમાં હાલ લોક ડાઉન જારી છે. લોક ડાઉનની અમલવારી કરાવવા ગુજરાત પોલીસ સરાહનીય કામગીરી કરી રહી છે. તે વચ્ચે ખાવડા PSI પરાક્રમસિંહ કચ્છવાહા દ્વારા પોતાની બદલી કરાવવા ત્યાંના રહેવાસીઓને ખોટા કેસો કરી પરેશાન કરી રહ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

કોંગ્રેસના પ્રદેશ અગ્રણી આદમ ચાકીએ આ બાબતે વોઇસ ઓફ કચ્છ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું છે કે લોક ડાઉનની અમલવારી ગુજરાત પોલીસ સારી રીતે કરાવી રહી છે. પણ કચ્છના ખાવડાના PSI દ્વારા ત્યાંના રહેવાસીઓને ખોટી રીતે હેરાન કરાઇ રહ્યા છે. દિનારા ગામના સમા અલાબક્ષ સસ્તા અનાજની દૂકાને અનાજ લેવા તેમજ પોતાના અબોલ જાનવરો માટે દવા લેવા આવેલ હતા. જેની ખાવડા PSI એ લોક ડાઉન ભંગ કરવા બદલ ધર પકડ કરી હતી. અગાઉ પણ લોક ડાઉન દરમ્યાન ખાવડા PSI દ્વારા ધોરાવર ગામના મરણ પ્રસંગે લોકોને કનડગત કરાઇ હોવા બાબતે આદમ ચાકી દ્વારા આક્ષેપો કરાયા હતા.

આ પ્રકારે લોકોને હેરાનગતિ કરવા પાછળનો મકસદ ફક્ત પોતાની બદલી સુરત મધ્યે કરાવવાનો છે. પોતાને ખાવડા નોકરી ન કરવી હોવાથી આ પ્રકારે નિર્દોષ લોકોને PSI પજવણી કરી રહ્યા હોવાની ઘટના ગુજરાત પોલીસ માટે લાંછન રૂપ હોવાનું શ્રી ચાકીએ આક્ષેપ કર્યો છે. તેમજ આ PSI વિરૂદ્ધ કડક કાર્યવાહિ કરવાની માંગ પણ કરી છે.

સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવ્યું માટે ફરિયાદ કરી : ખાવડા PSI

આ બાબતે ખાવડા PSI પરાક્રમસિંહ કચ્છવાહા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ આરોપ ખોટા છે. જે વ્યક્તિ પર ફરિયાદ દાખલ કરી તેણે સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. જેથી તેના પર ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને જામીન મુક્ત કર્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું કે જરૂરી કામ કે ખરીદી માટે આવતા વ્યક્તિએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી, પોતાની જોઈતી વસ્તુઓ ખરીદી કરી ત્યાંથી ચાલ્યા જવું જોઇએ. આ નિયમ તોડી અન્ય વ્યક્તિઓ સાથે કોઇ વાતચીત કરવા ઉભો રહે ત્યારે કાર્યવાહી કરવી જરૂરી છે.

Get real time updates directly on you device, subscribe now.