પ્રથમ દર્દી કોરોના મુક્ત થતા CM રૂપાણીએ કચ્છીમાં પુછ્યા હાલચાલ : કલેક્ટરે કહ્યું, કચ્છની પ્રજા ખમીરવંતી
ભુજ : કચ્છમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 21 માર્ચના લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાનો નોંધાયો હતો. કચ્છના આ પ્રથમ કેસની 39 દિવસ બાદ રિકવરી આવી જતા આજે આ મહિલાને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે.
આજે આ મહિલાનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ આવતા બપોરે 4 વાગ્યે વહિવટી તંત્ર તેમજ હોસ્પિટલના સ્ટાફ તેમજ ડોકટરની હાજરીમાં તેમને રજા આપવામાં આવી છે. રજા આપતી વેળા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફોન પર સંપર્ક કરી તંત્રના અધિકારીઓ તેમજ ડોકટરોને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર બાદ કોરોના મુક્ત થયેલ મહિલાને કચ્છીમાં કહ્યુ હતું કે ‘હાણે આઇં બરોબર થઇ વ્યાને, હાણે આંજી તબીયતજી ખ્યાલ રખી જા’, પ્રત્યુતરમાં મહિલાએ પણ સારવાર કરનાર તમામ લોકો તેમજ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. મુખયમંત્રીએ જણાવ્યું કે તમારે આભાર માનવાનો ન હોય આ તો અમરી ફરજ છે.
આ પ્રસંગે હાજર કલેકટર કચ્છ દ્વારા પણ ટવીટ કરી જણાવાયું કે કચ્છની પ્રજાની જીંદાદીલી, જુસ્સો જોઇ તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું કે કચ્છની પ્રજા ખમીરવંતી છે. કોઈ પણ આપદાનો આ પ્રજા હિંમતથી સામનો કરી શકે છે. તેમજ જિલ્લાના વહીવટી તંત્ર વતી આ મહિલાને કલેકટરે પણ શુભેચ્છા પાઠવી હતી. આ રીતે કચ્છના પ્રથમ દર્દી કોરોના મુક્ત થતા તેમના ઘરે પહોંચી ગયા છે.