પ્રાઇવેટ મેડીકલ પ્રેક્ટીશનર્સ એસોસિયેશન કચ્છ યુનિટ, કોરોના જંગમાં સહભાગી બનવા તૈયાર
ભુજ : ધ પ્રાઇવેટ મેડીકલ પ્રેક્ટીશનર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના કચ્છ યુનિટ દ્વારા કોરોના વાયરસ ( કોવીડ-19) મહામારી સામે લડતમાં કચ્છ જિલ્લામાં તંત્રને મદદરૂપ થવા તૈયારી બતાવી છે. કલેકટર કચ્છને પત્ર લખી સંસ્થા પ્રમુખ હબીબશા સૈયદે આ મુદે જાણ કરી છે.
તેઓએ જણાવ્યું છે કે આ સરકાર માન્ય રજીસ્ટર સંસ્થા છે. જેમાં જોડાયેલા સભ્યો કચ્છના અંતરીયાળ અને છેવાડાના ગામો તથા વાંઢોમાં જયાં ક્વોલિફાઇડ ડોક્ટરો પહોંચતા નથી ત્યાં પ્રાથમિક સારવાર આપે છે. ગરીબ વર્ગના લોકોને પોષણક્ષમ અને કોઈ પણ જાતના જોખમ વગર સેવા પૂરી પાડવામાં આવે છે. સરકારના લોકજાગૃતિ કાર્યક્રમ કુટુંબ કલ્યાણ, એઇડ્સ જાગૃતી, સ્વાઇન ફ્લુ, ઓરી રૂબેલા, પલ્સ, પોલીયો વગેરેમાં સક્રીય ભાગ ભજવી, નિસ્વાર્થ ભાવે તેનો પ્રચાર-પ્રસાર કરી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો કામ કરી તંત્રની મદદ કરવામાં આવે છે. તેમજ ધાર્મિક મેળાવળા અને સમૂહ લગ્નો જેવા સામાજિક કાર્યક્રમોમાં ફ્રી મેડીકલ કેમ્પની સેવા આપવામાં આવે છે.
હાલ આ સંસ્થાના તમામ સભ્યોએ આ સેવા બંધ રાખેલ છે. જો તંત્ર ઇચ્છે તો આ સંસ્થાના સભ્યોને કોવીડ-19 સામે લડત માટે ટ્રેનીંગ આપી અને ગ્રામ્ય વિસ્તારમાં કોવીડ-19 ને લગતી કામગીરી સોપી શકે છે. અથવા સંસ્થા દ્વારા બંધ રાખેલ પ્રાથમીક સારવાર શરૂ કરીને પણ ગરીબ વર્ગને મદદરૂપ થઇ શકાય છે. આ મુદે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઇ સંસ્થાને જાણ કરી સંસ્થાની સેવા લેવામાં આવે તેવું રજૂઆતમાં જણાવાયું છે.