લખપતની કોરોના ગ્રસ્ત મહિલાનો રીપોર્ટ નેગેટિવ : અન્ય તમામ રીપોર્ટ પણ નેગેટીવ
ભુજ : કોરોનાના કહેર વચ્ચે કચ્છ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. કચ્છમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ જે નોંધાયો હતો તે લખપતની મહિલા કોરોના સામેની જંગ જીતી સ્વસ્થ થઇ છે . તેમજ ગઇ કાલે આરોગ્ય તંત્ર દ્વારા લીધેલા અન્ય 16 જેટલા રીપોર્ટ પણ નેગેટીવ આવ્યા છે.
સાઉદી અરેબિયાથી મક્કા મદિનાની યાત્રા કરી પરત ફરનાર લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાનો કચ્છમાં પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો હતો. આ મહિલા જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. આ મહિલાનો ગઇ કાલે મોકલેલ રીપોર્ટ નેગેટિવ આવતા આ મહિલા કોરોનાથી મુક્ત થઇ ગઇ છે. ખરાઇ કરવા માટે આ મહિલા દર્દીનો હજી એક સેમ્પલ મોકલવામાં આવશે, ત્યાર બાદ આ મહિલાને ડિસ્ચાર્જ આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
આ સાથે સાંઘીપુરમના 30 વર્ષીય યુવક, ધ્રબ ના 57 વર્ષીય અધેડ અને ભુજના 24 વર્ષીય ડોકટર સાથે માધાપરના કોરોના પોઝિટીવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધુના સંપર્કમાં આવેલ 13 વ્યક્તિઓના પણ સેમ્પલ રીપોર્ટ માટે લેબમાં મોકલાયેલા હતા. આ તમામ રીપોર્ટ પણ નેગેટીવ આવતા કચ્છ આરોગ્ય તંત્ર તથા કચ્છની પ્રજા માટે રાહતના સમાચાર છે. આમ ગઇ કાલે મોકલેલા તમામ 17 રીપોર્ટ નેગેટીવ આવેલ છે.