આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ ૩જી મે ૨૦૨૦ સુધી કચ્છમાં બંધ રહેશે
ભુજ : રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૩-૩-૨૦૨૦ના જાહેરનામાથી ધ ગુજરાત એપીડેમીક ડિસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ જાહેર કરેલ છે તેમજ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ૨૫-૩-૨૦૨૦થી ૨૧ દિવસ સુધી લોકડાઉન જાહેર કરેલ. જેના અનુસંધાને કચ્છ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટે જુદી જુદી કલમો અને જોગવાઇઓ હેઠળ જાહેરનામાઓ બહાર પાડેલા છે.
હવે કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર તા.૩જી મે ૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. તે પૈકી સમગ્ર રાજયમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ આજ તા.૧૫/૪/૨૦૨૦ થી ૩/૫/૨૦૨૦ સુધી બંધ રાખવામાં આવેલ છે.
જિલ્લા કલેકટરશ્રી પ્રવીણા ડી.કે.એ હોદાની રૂએ હુકમ ફરમાવ્યો છે કે, જિલ્લામાં તેમણે કોવીડ-૧૯ના અનુસંધાને જેટલા જાહેરનામા રજુ કર્યા છે. તે તમામનો અમલ પણ ૩જી મે-૨૦૨૦ સુધી કરવામાં આવશે. કોવીડ-૧૯ ના સંદર્ભે કચ્છમાં બહાર પાડેલા આ જાહેરનામાની મુદત અન્ય હુકમ ન થાય ત્યાં સુધી વધારવામાં આવે છે. જુદી જુદી કલમો અને જોગવાઇ હેઠળ બહાર પડાએલા જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકે છે. જેથી જિલ્લાની પ્રજાને બહાર પાડેલા જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સરકારી સેવામાં કે જાહેર ફરજ પર સંકળાયેલા આમાંથી બાકાત રાખવામાં આવે છે.