કોરોના વિરૂદ્ધ લડતમાં યોગદાન આપવા માધાપરનાં હોટેલ માલિકની અનોખી પહેલ
ભુજ : હાલ સમગ્ર ભારત દેશ કોરોના વાયરસ (કોવીડ-19) જેવી વૈશ્વીક મહામારી સામે જંગ લડી રહ્યો છે. જેમાં અનેક સંસ્થાઓ, દાતાઓ દ્વારા રોકડ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વગેરે ગરીબોને આપી યોગદાન આપી રહ્યા છે.
આ દરમ્યાન માધાપરનાં એક હોટેલ માલીકે આ મહામારીમાં યોગદાન આપવા અનોખી રીતે તૈયારી દર્શાવી છે. માધાપર હોટેલ આશીર્વાદના માલીકે પોતાની હોટેલનું હોસ્પિટલ તરીકે વિના મુલ્યે ઉપયોગ કરવા તંત્રને લેખીત જાણ કરી છે. જેમાં હોટેલ માલિક અમુલ ઠકકર તથા પૂંજાભાઇ કાબરીયા(આહિર) એ જણાવ્યું છે કે જો વધારે પરિસ્થિતિ ખરાબ થાય તો કચ્છને જરૂર પડે તો હોટેલ આશીર્વાદને નિશુલ્ક હોસ્પિટલ તરીકે ઉપયોગ કરી આ મહામારીમાં યોગદાન આપવા તેઓની તૈયારી છે. તેમજ દર્દીઓ માટે ચા નાસ્તાની વિના મુલ્યે સેવા આપવા પણ તેઓની તૈયારી હોવાનું જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે કૃતિ ફાઉન્ડેશન નામની સંસ્થા મારફતે પણ સેવાકીય પ્રવૃતિઓ આ હોટેલ માલિકો દ્વારા કરાઇ રહી છે. મહામારીની આવી કપરી પરિસ્થિતિમાં પોતાની આખી હોટેલનો હોસ્પિટલ તરીકે ઉપયોગ કરવા માટે જાહેરાત કરવું ખરેખર એક અનોખો યોગદાન કહી શકાય.