કોરોનાને હરાવવા ભુજ શહેરના પ્રસિધ્ધ વિસ્તારોમાં ચિત્રો દ્વારા જનજાગૃતિ
ભુજ : નાના બાળકોને પણ સચિત્ર પુસ્તકો વધુ ગમે છે. માત્ર લખાણવાળા પુસ્તકો, વર્તમાનપત્રો કે લંખાણો જો સચિત્ર હોય તો તે વધુ રૂચિ જગાડે છે. ચિત્રો માનસ પર વધુ અને લાંબી છાપ છોડી જાય છે. આંખ અને મગજને ચિત્ર જલ્દી યાદ રહી જાય છે અને જો તે સતત બે મિનિટ આસપાસ કે સતત નજરે પડે તો એની સીધી અસર વ્યકિતના અજ્ઞાતમન મન પર પડે છે. વિશ્વમાં કે સમાજમાં સંદેશો આપવા કે બદલાવ લાવવા ચિત્ર મહત્વની ભૂમિકા ભજવે છે અને આ મનોવિજ્ઞાનનો નવતર પ્રયોગ નોવેલ કોરોના કોવીડ-૧૯ ની મહામારીની સમજણ આપવા કચ્છના ભુજમાં કરવામાં આવ્યો છે.
ભુજના યુવા પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીના આ નવતર અભિગમથી તેઓ જનતાને કોરો અંગે સાવચેતીનો સંદેશો પહોંચાડી રહયા છે. કલા સાથે મેસેજને અમલમાં મૂકી તેમણે કોરોના સંક્રમણને અટકાવવા કેવા સાવચેતીના પગલાં લેવાય તે ભુજના પ્રસિધ્ધ વિસ્તારોમાં કલાકાર અસોસોએશનની મદદથી ચિત્ર દોરાવી બતાવ્યું છે. જેમકે ‘‘બે વ્યકિત વચ્ચે પાંચ ફુટનું અંતર રાખો’’ ‘‘માસ્ક પહેરો, ‘‘ઘરે રહો સલામત રહો’’ કચ્છ આર્ટીસ્ટ એસોશિએશન સ્વૈચ્છિક રીતે ભુજના ધમધમતા રોડ જેમકે જયુબીલી સર્કલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, વાણિયાવાડ શાકમાર્કેટ રોડ અને હમીરસર તળાવ, જિલ્લા કલેકટર કચેરીના બહારના રોડ પર આ લખેલા ચિત્રો સમાજના લોકોની જાગૃતિ માટે દોર્યા છે. શ્રી ગુરૂવાણીના માર્ગદર્શન હેઠળ કલાકારોએ આ રીતે કોરોના વાયરસ સંક્રમણને રોકવા પોતાનું યોગદાન આપી પોતાનું સમાજ પ્રત્યેનું પ્રત્યેનું ઋણ અદા કર્યુ છે. ઘરે રહો સુરક્ષિત રહો અને સામાજિક અંતર જાળવી સુરક્ષિત રહો એમ શ્રી ગુરૂવાણી અને કલાકારો પોતાનો સંદેશો વ્યકિતઓ સુધી કલાથી પહોંચાડી રહયા છે.