“ચિરંજીવી યોજના” અને “બાળશખા યોજના” કચ્છની 80% હોસ્પિટલોમાં બંધ
ભુજ : સકરકાર દ્વારા નવજાત બાળકો માટે બાળશખા યોજના તેમજ ગર્ભવતી મહિલાઓ માટે ચિરંજીવી યોજના અમલમાં છે. બાળશખા યોજના અંતર્ગત નવજાત બાળકોને એન.એસ. આઇ. યુ. માં પેટીમાં રાખવાની વ્યવસ્થા હોય છે. તેમજ ચિરંજીવી યોજના હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓની પ્રસુતિ ફ્રી માં કરવામાં આવે છે.
આ બંને યોજનાની અમલવારી કચ્છમાં હાલ 80% જેટલી હોસ્પિટલોએ બંધ કરી દીધી હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારાએ કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે કોરોના મહામારી પહેલા બાળશખા યોજના અંતર્ગત દરરોજ 100 બાળકોને NSIU માં રાખી શકાય તેવી વ્યવસ્થા હતી. જિલ્લા વિકાસ અધિકારી ચાર્જ સંભાળતા જ 26 હોસ્પિટલમાં આ વ્યવસ્થા શરૂ કરાવી હતી. હાલ તેમાંથી ફક્ત 8 હોસ્પીટલમાં જ આ યોજના ચાલુ છે. જે બાબત આરોગ્ય તંત્રની નિષ્ફળતા છતી કરે છે. તેજ રીતે ગર્ભવતી મહિલાઓ માટે ચિરંજીવી યોજના હેઠળ કચ્છમાં 42 હોસ્પિટલ કાર્યરત હતી. જેમાં સરકારની ધાતરી માતા જેવી અન્ય યોજના હેઠળ રૂપિયા પણ મળતા હતા. આ 42 માંથી હાલમાં ફકત 7 હોસ્પિટલ જ કાર્યરત છે. જેના કારણે ગરીબ-મધ્યમ વર્ગના લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં હજારો રૂપિયા ખર્ચી ડિલીવરી કરાવવી પડે છે. જેથી આવા પરિવારને આર્થીક બોજ ખમવો પડે છે.
આ બાબતે રફીક મારાએ જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓએ આ યોજના ચાલુ હોવાનું જણાવ્યું, પણ આ યોજના સાથે જોડાયેલ પ્રાઇવેટ ડોકટરોનો સંપર્ક કરતા તેઓએ સરકારમાં પોતાના લાખો રૂપિયા ફસાયા હોવાથી આ યોજનાનો બહિષ્કાર કર્યો હોવાનું જણાવ્યું હતું. અધિકારી અને ડોકટરોની ખો-ખો માં ગરીબ-મધ્યમ વર્ગ પીસાઇ રહ્યો છે. માટે કચ્છમાં જે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ યોજનાઓ ચાલુ હતી તેને તત્કાલ અસરથી ફરી શરૂ કરવામાં આવે જેથી ગરીબ લોકોને રાહત થાય તેવી માંગ કરાઈ છે.