કોરોના અપડેટ : કચ્છની તમામ મસ્જીદોમાં ત્રણ વ્યક્તિએ જ નમાઝ પઢવા ધર્મગુરુઓ-આગેવાનોની અપીલ
ભુજ: સમગ્ર ભારતમાં કોરોના વાયરસ સામે સરકાર દ્વારા લેવામાં આવી રહેલાં પગલાંના ભાગરુપે લોકડાઉનને અસરકારક બનાવવા કચ્છની મસ્જીદોમાં પાંચ ટાઈમ નમાઝ અદા કરવા માત્ર ત્રણ વ્યક્તિ એકત્ર થાય તેવી અપીલ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના માધ્યમથી તમામ મસ્લકના આગેવાનો અને ધર્મગુરુઓ દ્વારા કરવામાં આવી છે.
આજે કચ્છ બોર્ડર રેન્જ આઇ.જી. સુભાષ ત્રીવેદી અને પશ્ચીમ કચ્છ એસ.પી. સૌરબ તોલંબીયા દ્વારા મુસ્લિમ સમાજ તરફથી સહયોગ મળે તેવા હેતુ થિ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં અખીલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ મુસ્લિમ સમાજના એહલે સુન્નત વલ જમાત, તબ્લીગ જમાત તેમજ એહલે હદીસ જમાતના આગેવાનોએ ચર્ચામાં ભાગ લીધો હતો. લોક ડાઉન અને કલમ 144 ની અસરકારક અમલવારી થાય તે માટે કચ્છની તમામ મસ્જીદોમાં સમયસર અઝાન પોકારવામાં આવે અને નમાઝ પઢવા એક પેશ ઇમામ અને બે મુકતદી મસ્જીદમાં પ્રવેશ કરી ને નમાઝ પઢે અને અન્ય લોકો લોક ડાઉન દરમ્યાન પોતાના ઘરોમાં નમાઝ પઢે તે લોકોના આરોગ્યના હીતમાં હોવાનું મુસ્લિમ સમાજના એક સંયુકત નિવેદનમાં જણાવાયું છે. સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના ફેલાવાને ડામવા આખી દુનિયામાં અસરકારક પગલા લેવાઇ રહ્યા છે અને મુસ્લિમ દેશોમાં પણ ધાર્મિક સ્થળોએ લોકોની ભીડ રોકવા પગલા લેવાયા છે, ત્યારે રાજ્ય સરકારના લોક ડાઉનના નિર્ણયને સાર્થક કરવા વર્તમાન સંજોગોમાં કચ્છના મુસ્લિમ બીરાદરો પોતાના ઘરે જ નમાઝ પઢે તેવી અપીલ કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોજાયેલી બેઠકમાં તમામ મસલક ના આગેવાનો એ વાતમાં સહમત થયા હતા કે પોલીસની અપીલને અવગણીને કોઈ મસ્જિદમાં ત્રણથી વધુ વયક્તિ નમાઝ પડશે તો કાયદાકીય રીતે તેમની વ્યક્તિગત જવાબદારી રહેશે. આમ છતાં કોઈ બાબતે મુંઝવણ હોય તો સમિતીના જે તે તાલુકા અને શહેરના હોદેદારોનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અખીલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રા, અહેમદશા અલ હુશેની, તબ્લીક જમાતના મૌલાના ઇલીયાસ ફલાહી, નાગોર મદ્રેસાના સંચાલક ગુલામ કાસમી સાહેબ, એહલે હદીસ જમાતના ખજાનચી સલીમ ખલીફા વગેરે હાજર રહ્યા હતા. આ બાબતે ફરઝંદે મુફતીએ કચ્છ અનવરશા સૈયદ તથા એહલે હદીસ જમાતના અમીર મૌલાના બીલાલ જામઇ પાસેથી ટેલીફોનીક સહમતી મેળવી નિર્ણય લેવાયો છે.