લોક ડાઉનનો સંપૂર્ણ પણે અમલ કરીશું તો જ કોરોના વાયરસ સામેનો જંગ જીતશું : કલેકટર કચ્છ
ભુજ : કોરોના વાયરસના કહેરને રોકવા ગુજરાત સરકાર દ્વારા પાંચ મહાનગરો અને કચ્છમાં લોક ડાઉન કરવાનો નિર્ણય લીધો છે. જેનો પાલન કરવા કલેકટર કચ્છ પ્રવિણા ડી.કે દ્વારા ટવીટર પર વિડીયો મેસેજથી અપીલ કરવામાં આવી છે.
કચ્છ કલેકટરે જણાવ્યું છે કે રાજ્ય સરકારે કચ્છમાં લોક ડાઉન નો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો સંપૂર્ણ પણે પાલન કરવું એ જરૂરી છે. લોક ડાઉન દરમ્યાન શાકભાજી, મેડિકલ સ્ટોર અને રસકસ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દૂકાનો ચાલુ રહેશે, તે સિવાય અન્ય દૂકાનો બંદ રાખવા જણાવ્યું છે. મેડીકલ એસોસીયેશનને પણ અપીલ કરાઇ છે કે પરિસ્થિતિનો ગેરલાભ ન લેવાય, તેમજ મેડીકલ સપ્લાય અવિરત રીતે ચાલુ રાખવામાં આવે. તે સિવાય રસકસ, શાકભાજી અન્ય જીવન જરૂરી વસ્તુઓની દૂકાનો ચાલુ રહેશે તેના સપ્લાયમાં કોઇ બાધા નહી આવે, જેથી આ ચીજ વસ્તુઓની ખરીદી માટે દૂકાનો પર ભીળ ભેગી કરવામાં ન આવે તેની પ્રજાને તથા દૂકાનદારોને તાકીદ રાખવા જણાવ્યું છે.
વધુમાં ચેમ્બર ઓફ કોમર્સ ભુજ તથા ગાંધીધામ અને સોલ્ટ એસોસિયેશન વગેરેને જાહેરનામાનું ચુસ્ત અમલ કરવાની તકેદારી રાખવા જણાવ્યું છે. આ રીતે લોક ડાઉનનો સાચા અર્થમાં ચુસ્ત પણે પાલન કરીને જ કોરોના વાયરસ સામે જંગમાં જીત મેળવી શકીશું તેવું કલેકટર કચ્છ દ્વારા કચ્છની પ્રજાને કરેલી અપીલમાં જણાવાયું છે.