કોરોના વાયરસ : કચ્છની કોમી એકતાના પ્રતિક હાજીપીર બાબાનો મેળો હાલ પુરતો મુલત્વી
ભુજ : રણકાંધીએ આવેલ કચ્છની કોમી એકતાના પ્રતિક હાજીપીરની દરગાહ પર દર વર્ષે ચૈત્ર મહિનામાં મેળો યોજવામાં આવે છે. આ મેળામાં કચ્છ, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી શ્રધ્ધાળુઓ પગ પાળા તેમજ વાહનો દ્વારા હાજરી આપતા હોય છે. આ મેળાને હાલ પુરતો મુલત્વી રાખવા નિર્ણય લેવાયો છે.
હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીનો ભોગ બન્યો છે. ભારતમાં પણ આ વાયરસ ન ફેલાય તેની તકેદારી રૂપે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતની રાજ્ય સરકારે સ્કૂલ- કોલેજો તથા મલ્ટીપ્લેક્ષો, સ્વીમીંગ પુલો વગેરે જગ્યાઓ બંદ કરવા આદેશ કરેલ છે. આ સાથે ધાર્મીક કાર્યક્રમો અને મેળાઓ પણ ન યોજવા અપીલ કરવામાં આવી હતી.
હાલ કચ્છમાં તા. 28-29-30 ના હાજીપીરનો મેળો યોજાનાર હતો. જેને મુલત્વી રાખવા મુદે આજે કચ્છ કલેકટર તથા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે હાજીપીર મેળાના સંચાલકો, દરગાહના મુજાવરો તેમજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રા તેમજ સમિતિના અન્ય હોદેદારોએ બેઠક યોજી હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે હાલ 31 માર્ચ સુધી મેળો મુલત્વી રાખવામાં આવ્યો છે. કોરોના વાયરસ મુદે સરકારની સુચના તેમજ યાત્રળુઓના સ્વાસ્થ પર અસર ન પળે તેની તકેદારી રૂપે આ નિર્ણય લેવાયો છે. તેમજ પગપાળા આવનારા યાત્રાળુઓ કે જેઓ અહીં આવવા નીકળી ગયા છે તેઓ પણ પોતની મુસાફરી ટુંકાવી અને સાથ સહકાર આપે તેવી અપીલ કરાઇ છે.
31 માર્ચ બાદ ફરી મેળાનું આયોજન થશે ત્યારે નવી તારીખો જાહેર કરવામાં આવશે તેવું ઇબ્રાહિમ હાલેપોત્રાએ જણાવ્યું છે. આ મુદે કચ્છ કલેકટર દ્વારા પણ ટવીટ કરી જાણકારી આપવામાં આવી છે કે મેળો મુલત્વી રાખવામાં આવ્યો છે પણ હાજીપીરની દરગાહે આવતા દર્શનાર્થીઓ માટે દર્શન રાબેતા મુજબ ચાલુ છે.