“બધાં જ ધારાસભ્યો ધંધો કરવા બેઠા છે…” પી.એમ.જાડેજાનું જૂનું વાક્ય અબડાસાની પ્રજાએ યાદ કર્યું..!!
રાજનીતિમાં એન્ટ્રી કરનાર વ્યક્તિ આમતો પ્રજાની સેવા કરવા રાજનીતિમાં પ્રવેશ કર્યો હોવાનો રાગ અલાપે છે પણ હકીકતમાં સેવાભાવ હાલની રાજનીતિમાં રહ્યો નથી. હાલમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપ્યું છે. પ્રદ્યુમનસિંહ જાડેજાનું કહેવું છે અબડાસા વિસ્તારના વિકાસ કામોની ખાતરી મેળવી ને તેઓએ આવું કર્યું છે. જયારે અન્યત્ર એવી ચર્ચા છે કે કરોડો રૂપિયા અને ધંધાકીય લાભોનું સેટીંગ કરીને આવું પગલું ભર્યું છે. આ રાજીનામા બાબતે વધુ પડતી ચર્ચાએ થઇ રહી છે કે પ્રજા સાથે વિશ્વાસઘાત થયો છે.
“નો ડાઉટ” લોકશાહીમાં આવી ઘટના યોગ્ય નથી, આવી ઘટના પ્રજાએ આપેલા જનાદેશનું અપમાન જ ગણાય, પરંતુ હાલની રાજનીતિક પેટર્નમાં ડોકીયું કરીએં તો ચિત્ર કાંઈક અલગ જ દેખાઇ આવે છે.
જે તે સમયે ધારાસભ્ય કે સાંસદ સભ્ય જેવા પ્રતિષ્ઠીત પદ માટે ચૂંટણી લડતા ઉમેદવારનું લોકપ્રિય હોવું ખૂબ જ જરૂરી હતું. આ પદો માટે ચૂંટણી લડનારા ઉમેદવારોને સામાન્ય પ્રજા ઓળખતી હતી. જેનું કારણ સતા ન હોવા છતાંય લોકોની સેવામાં આવા વ્યક્તિઓ તત્પર રહેતા અને તેમની આ લોકપ્રિયતાના કારણે તેઓ સાંસદ કે ધારાસભ્ય જેવા પદો પર ચૂંટાઇને આવતા હતા. ટુંકમાં કહીએ તો તે સમયમાં સામાન્ય પ્રજાના હક્કો માટેની લડત અને પ્રજાની સેવા એ “ઇન્વેસ્ટમેન્ટ” અને ત્યાર બાદ સાંસદ અથવા ધારાસભ્યના હોદ્દા રૂપે જે પ્રતિષ્ઠા મળતી એને “પ્રોફીટ” ગણાતી.
જયારે હાલની પરિસ્થિતિ એકદમ વિપરિત છે, કારણ કે હાલ પ્રજાની સેવા દ્વારા મળેલી લોકપ્રિયતાને મહત્વ આપવાનો જમાનો નથી. હમણા રાજનીતિમાં માર્કેટિંગનો યુગ છે. ચહેરો લોકપ્રિય હોય કે ન હોય માર્કેટિંગ તથા ભ્રામક પ્રચારો દ્વારા તેને લોકપ્રિય બનાવવામાં આવે છે. સામાન્ય માણસ સમજી શકે છે કે માર્કેટિંગ કરવા માટે પ્રજાની સેવા નહીં પણ રોકડ “ઈન્વેસ્ટમેન્ટ” કરવું પડે છે. ધારાસભ્ય અને સાંસદ સભ્યની ચુંટણીના પ્રચારમાં કરોડો રૂપિયા (અનઓફિશિયલી)નો ધુમાડો થયાની ચર્ચા આપણે બધાએ સાંભળેલી જ છે. તે સિવાય રાજકીય આલમમાં એવું પણ ચર્ચાતું હોય છે કે ટિકીટ મેળવવા પણ “વ્યવહાર” કરવો પડે છે. ભલે પછી તે પાર્ટી ફંડ પેટે હોય કે અન્ય કોઈ રીતે પણ રોકડ ઈન્વેસ્ટમેન્ટ તો થાય જ છે. જેનું યોગ્ય “પ્રોફીટ” મળે ત્યારે રાજીનામાની રાજ રમતો થતી હોય છે.
આ વાતને સમર્થન ખૂદ પ્રદ્યુમનસિંહે જ થોડા મહિના અગાઉ એક જાહેર કાર્યક્રમમાં એવું કહીને કર્યું હતું કે ” બધા ધારાસભ્યો ધંધો કરવા બેઠા છે”. તેમનું આ વિવાદાસ્પદ વાક્ય ફરીથી અબડાસાની પ્રજામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.