“પાડા કરતા ઓછી કિંમતમાં વેંચાયા પ્રદ્યુમનસિંહ” ના સૂત્રોચ્ચાર સાથે અબડાસામાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન
અબડાસા : રાજયસભાની ચૂંટણી પહેલા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપી દેતા રાજયસભામાં કોંગ્રેસના એક ઉમેદવાર માટે મુશકેલી ઉભી કરી દીધી છે. આ મુદે આજે અબડાસા તાલુકા કોંગ્રેસ તેમજ અબડાસા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
આજે અબડાસા તાલુકા કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસ દ્વારા પુતળા દહન કરવાનો કાર્યક્રમ યોજ્યો હોવાની જાણ થતા પીલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યાર બાદ નલીયા તકીયા ચોકથી બસ સ્ટેશન સુધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. પ્રદ્યુમનસિંહ જાડેજા હાય હાય… પ્રદ્યુમનસિંહ ગદાર હાય હાય જેવા સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
આ દરમ્યાન “પાડા કરતા ઓછી કિંમતમાં વેંચાયા પ્રદ્યુમનસિંહ” જેવા સૂત્રોચ્ચાર કોંગ્રેસી કાર્યકરો દ્વારા કરાતાં સૌ કોઇ અચરજ પામ્યા હતા. જો કે આ સૂત્રોચ્ચાર પાછળનો કારણ એ હતો કે બનાસકાંઠામાં શિવરાત્રી સમયે ભરાતા મેળામાં જોધપુરનો એક પાડાની કિંમત વીસ કરોડ બોલાઇ હતી છતાં તેના માલીકે પાડો વેંચવાની ના પાડી હતી.
આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના વી.કે. હુંબલ, પી.સી. ગઢવી, જિલ્લા પંચાયત સદસ્ય કિશોરસિંહ જાડેજા, તકીસા સૈયદ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરા, અબડાસા તાલુકા પંચાયત વિપક્ષી નેતા અબ્દુલ ગજણ, યુથ કોંગ્રેસ પ્રમુખ અભુ હિંગોરા, નખત્રાણા કોંગ્રેસ પ્રમુખ રાજેશ આહિર, વીસનજી પાંચાણી, લખપતથી હાસમ નોતીયાર, હુસેન રાયમા, આધમ રાયમા, ઇબ્રાહીમ કુંભાર, રાવલ મીસરી જત અને ચંદ્રસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.